અવિસ્મરણીય તાલીમ @ શશીકુંજ, જૂનાગઢ

ઓહ! આ 75 દિવસ (અઢી મહિના)નો સમય ક્યારે પસાર થઇ ગયો, ખ્યાલ જ ન આવ્યો. મને તો હજુ એમ જ લાગે છે, કે હું હમણા જ મારા ઘરે આવ્યો છું, અને પરમ દિવસથી જ શશીકુંજમાં તાલીમ લેવા જઇ રહ્યો છું. થોડીકવાર તો એમ જ લાગે કે ભાણવડ જવું જ નથી… બસ, અહીં જ રોકાઇ જાઉ… મારૂ તો જૂનાગઢ ઘર છે, પરંતુ બીજા મારા સહ-કર્મચારી-તાલીમાર્થી મિત્રો કે જેનું ઘર/વતન જૂનાગઢ નથી, તેને પણ અહીં ફાવી ગયુ હતું. માનો કે તે લોકોએ પણ શશીકુંજ ને પોતાનું ઘર માની લીધુ… જોત જોતામાં ક્યારે 75 દિવસનો સમય પુરો થઇ ગયો અને તાલીમ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર અત્યારે હાથમાં છે, ત્યારે થોડું અઘરુ લાગે છે…

This slideshow requires JavaScript.

આ તલીમ માત્ર વહીવટી તલીમ જ ન રહી, બલ્કે જીવનના ઘણા બધા પાસાઓ શીખવી ગઇ. કારણ કે હું તો ક્યારેય હોસ્ટેલમાં રહેલો જ નહીં. એક હોસ્ટેલ લાઇફનો પણ અનુભવ થયેલો. જોકે હું તો તાલીમ પુરી કરી, સાંજે ઘરે આવી જતો, આમ છતાં, આખો દિવસ એક હોસ્ટેલ તથા સ્કુલ/કોલેજમાં હોય તેવું વાતાવરણ લાગતું. તાલીમનો પહેલો દિવસ – 18/03/2013… માત્ર ત્રણ જ જણ નજરે પડે અને એ પણ જામનગર જીલ્લાના. તેમાં અમારા તાલીમાર્થીઓમાં મોસ્ટ સિન્સીયર તથા સિનિયર ગણાતા ખંભાળીયાના ગોવિંદભાઇ ચાવડા તથા કલેક્ટરના ઉપનામથી પ્રખ્યાત થયેલ જોડીયાના દેવાંગભાઇ ત્રિવેદી. હું ત્યાં ગયો. મેં હોસ્ટેલ જોઇ. હોસ્ટેલની વ્યવસ્થા બીજા તાલીમ કેન્દ્રો કરતા સારી હતી, એટલે મેં તુરત ગોવિંદભાઇને કહ્યું: હોસ્ટેલ સારી છે. તેણે માથું હલાવતા, તે વાતનો સ્વિકાર કર્યો અને આપણા માટે તો બધુ સારુ જ છે, એવું કહ્યું. ગોવિંદભાઇ પહેલેથી પોઝીટીવ વિચારધારા વાળા તો ખરા જ. અમે બધા હજુ ક્યારેક મજાકમાં મેનેજમેન્ટનો દોષ કાઢતા, પણ ગોવિંદભાઇ હંમેશા આવું તો હોય જ એમ કહેતા રહેતા. તાલીમના પહેલા દિવસે તો માત્ર બધાએ હાજર રીપોર્ટ આપ્યા અને છુટા પડ્યા. હું અહીં યજમાન કહેવાઉ એટલે, ગોવિંદભાઇ તથા દેવાંગાભાઇ અને બીજા એક બે જણને BAPSની અક્ષરવાડીમાં લઇ ગયો. ત્યાં થોડીવાર બેસ્યા, અને પછી બહાર નીકળી ગોલા તથા બદામ શેકનો આનંદ લીધો. બીજા દિવસે તાલીમની શરૂઆત થઇ. ક્લાસમાં ગયા. ક્લાસ જોયો તો A/C. એટલે બધાને હળવાશ થઇ, કે ચાલો આપણો ઉનાળો સુધરી ગયો… તાલીમ કેન્દ્રના વહીવટી સ્ટાફે અમોને આવકાર્યા તથા બધાનો પરીચય કરાવ્યો. નિયામકશ્રી વાઢેર સાહેબ, આચાર્યશ્રી મારૂ સાહેબ, નાયબ મામલતદાર વાઢેર સાહેબ, તથા ક્લાર્ક ગીરીભાઇ, જાગૃતિબેહન તથા અક્ષયભાઇ. મોટે ભાગે બધુ મેનેજમેન્ટ ગીરીભાઇ જ કરે. પહેલા જ દિવસે અમારા કેટલાક તાલીમાર્થીઓએ મેનેજમેન્ટ સમક્ષ હોસ્ટેલમાં મચ્છર વધુ છે.. વિગેરે જેવા પ્રશ્નો મુક્યા, જેમાંથી અમારો આ મહેસૂલી તલાટીઓનો તાલીમ વર્ગ પ્રખ્યાત બન્યો. જોકે આજે છુટા પડતી વખતે વાઢેર સાહેબ (ના.મા.)એ સ્વીકાર્યું કે તમે બધાએ ભેગા થઇને શશીકુંજમાંથી મચ્છરોને જાકારો આપી દીધો છે. કારણ કે અત્યારે શશીકુંજમાં એક પણ મચ્છર નથી રહ્યું…

તાલીમ દરમિયાન ઘણા બધા લેક્ચરરો આવતા, પણ બધા વ્યાખ્યાતામાં કંઇક ને કઇક વિશેષ જ્ઞાન હતું. બધાને માફક આવ્યા હોય તેવા વ્યાખ્યાતાઓ ખાચર સાહેબ, ત્રિવેદી સાહેબ અને ભલુ સાહેબ. ત્રિવેદી સાહેબ તો જામનગરમાં પહેલા ચિટ્નિશ ટુ કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા, એટલે તેમને તો બધા જામનગરવાળા ઓળખતા જ હતા. ત્રિવેદી સાહેબને પણ જાણી આનંદ થયો કે અમે જામનગર વાળા તેની પાસે તાલીમ લેવા આવ્યા, અને આમ પણ તેઓએ સ્વીકાર્યું કે મને રેવન્યૂ વાળા પ્રત્યે વિશેષ પ્રેમ છે. અમે બધા તો મહેસૂલી તાલટી તરીકે હાજર જ ત્રિવેદી સાહેબ પાસે થયા હતા. ત્રિવેદી સાહેબ અમારો મહેસૂલી કાયદો લેતા. તેઓનું મહેસૂલી કાયદો એટલો પરફેક્ટ કે તેમને મોટાભાગની બધી કલમો મોઢે. મને તો આશ્ચર્ય થતું કે આટલો મોટો કાયદો, આટલા નિયમો ત્રિવેદી સાહેબને કેમ કરીને યાદ રહે છે. ઠીક છે આપણને યાદ હોય, પણ આપણે પરફેક્ટ એમ મોઢે ન કહી શકીયે, કદાચ ભુલ પણ પડે, પરંતુ ત્રિવેદી સાહેબતો કહે કે કલમ-65 એટલે કલમ-65 જ હોય, તેની કલમ-65ની 65 (2) પણ ન થાય. એવી જ રીતે વી.જી. ભલુ, કે જેઓ નિવૃત TDO હતા. તેણે પણ છેલ્લે દ્વારકા TDO તરીકે ફરજ બજાવેલ. ભલુ સાહેબે TDO તરીકે પંચાયત વિભાગમાં ફરજ બજાવી પણ તેમનું રેવન્યૂ બહુ જ સારૂ. તમણે જે 1 થી 18 ગામ નમૂનાની અમને સમજ આપી છે, તેટલી કદાચ બીજું કોઇ ન પણ આપી શકત. અને પુરેપુરા પ્રેક્ટીલ માઇન્ડના. વહીવટના નિયમો શું કહે છે, તથા હકીકત શું છે, તેનું સ્પષ્ટ વર્ણન કરે. ક્યારેક તેઓ તેમના ફરજ દરમિયાનના અનુભવો પણ કહેતા. ખાચર સાહેબ અહીંની સુભાષ એકેડમીમાં ઇતિહાસના પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તે જૂનાગઢના ઇતિહાસવિદ છે. આની પહેલા મેં પ્રદ્યુમ્નસિંહ ખાચર એવુ નામ સાંભળેલું, પણ કદી રૂબરૂ મુલાકત નહોતી થયેલી. ઇતિહાસના એ માસ્ટર. અમને ઘણી બધી ઇતિહાસની વાતો કરી. કેટલી જાણીતી તો કેટલી કદી નહીં સાંભળેલી. જૂનાગઢના નાવબની વાતો બહુ જ ગમી. હું જૂનાગઢનો હોવા છતાં, જૂનાગઢના કેટલાક તથ્યો મને પણ ખ્યાલ નહોતા. ખાચર સાહેબે તેમાં પ્રકાશ પાડ્યો. તેમની એક વાત બહુ જ યાદ રહી જાય તેવી છે: “ઇતિહાસ હંમેશા વિજેતાઓના જ હાથે લખાય છે…” જૂનાગઢના નવાબને સંબોધીને કરેલી આ વાત તદ્દન સાચી છે. તેણે એ પણ જણાવ્યું કે ઇતિહાસમાં ખોટી રીતે જૂનાગઢ નવાબને ખરાબ બતાવવામાં આવેલ છે. હકીકતમાં જૂનાગઢ નવાબ પ્રજા વત્સલ હતા. પરંતુ કેટલાક સંજોગો વસાત તેમણે ન ગમતા પગલા ભરવા પડ્યા હતા. જૂનાગઢ નવાબ હિંદુ પ્રેમી પણ હતા, તેના કેટલાક દાખલા આપ્યા. રોજ સવારે ઉઠીને કાળી ગાયના દર્શન કરવા, જૂનાગઢ રાજ્યના ચિહ્નમાં સૂર્ય, ચંદ્રની આકૃતિ, તથા ગિરનાર ઉપર મસ્જીદ ન જ હોય જેવા નિર્ણય જૂનાગઢ નવાબે જ આપેલ. તિર્થાણી સાહેબ મદદનિશ તિજોરી અધિકારી છે. તે GCSR (Gujarat Civil Service Rules) લેતા. તેઓએ કર્મચારીને કેવું વર્તન કરવું, રજા, પગાર વિગેરેને કેટલીક બાબતોનો ઉંડાણ પૂર્વક અભ્યાસ કરાવ્યો. અર્પિતા મેડમ સાયકોલોજીસ્ટ છે. તેણે ટ્રેશ મેનેજમેન્ટ, યોગ, ઇમોશન મેનેજમેન્ટ વિગેરે જેવા વિષયો પર લેક્ચર આપ્યા. પરસાણા સાહેબ કે જેઓ નિવૃત Dy.DDO હતા, તેઓએ પંચાયતનું માળખું સમજાવ્યું. પરસાણા સાહેબ એક સારા એવા સાહિત્ય કલાકાર પણ છે. તેમના કંઠે દુહા, છંદ વિગેરેનો પણ લાભ લીધેલ. ગઢીયા સાહેબ આ તાલીમ કેન્દ્રના ભુતપૂર્વ આચાર્ય રહી ચુકેલ. તેણે વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી. સંઘવી સાહેબ જેણે પંચાયત અધિનિયમ વિશે ભણાવ્યું. આ ઉપરાંત સોલંકી સાહેબ, ઇજનેર (ઇ-ગ્રામ), જેણે ઇ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ વિશે બજુ જ રસપ્રદ માહિતી આપી. આમ પણ ટેક્નોલોજીનો વિષય હોય, એટલે મને તો મજા આવેજ પણ, દરેકને સોલંકી સાહેબના લેક્ચરમાં મજા આવી. ઇ-ગ્રામની શરૂઆત થી લઇને અત્યાર સુધીની માહિતી આપી. અને છેલ્લે આવેલ તમીમ સાહેબે જમીનની માપણીની વિગત આપી તથા કઇ રીતે માપણી થાય, તેનું પ્રક્ટીકલ કરીને પણ બતાવ્યું. શશીકુંજનું એક મેદાન માપ્યું.

આ ઉપરાંત અમે કરેલ પ્રવાસ એ અવિસ્મરણીય રહ્યો. ત્રણ દિવસનો કરેલ પ્રવાસ હજુ પણ ભુલાય તેમ નથી. શરૂઆતમાં તો મારે પ્રવાસમાં નહોતું જાવું, પરંતુ બધાના આગ્રહથી નક્કી થયું, અને જો ન ગયો હોત તો હું એક આનંદદાયક સફર ચુકી જાત… પ્રવાસ દરમિયાન તડકો બધાને બહુ જ લાગેલો. બધાયે કનૈયાનું રૂપ ધારણ કરી લીધુ હતું. જાણે સૂર્ય દેવનું તેજ બધાના મુખ મંડળ પર કાળો રંગ ધારણ  કરીને સમાઇ ગયું હોય, તેવું લાગતું હતું… મહેસાણાના વોટર્સ વર્લ્ડ રીસોર્ટમાં બધાએ ખુબ આનંદ માણ્યો. વિવિધ પ્રકારની રાઇડની સવારી કરી. પ્રવાસ દરમિયાન બધા ખીલી ગયા હતા. કોઇને પણ એમ નહોતું લાગતું કે પોતે સરકારી કર્મચારીઓ છે… GCSR ના નિયમો તો ક્યાંક પડ્યા રહ્યા…

તાલીમ દરમિયાન સૌથી વધુ લખાવવામાં ત્રિવેદી સાહેબ તથા ભલુ સાહેબ. સૌથી વધુ લખાણ તે બે સાહેબોનું હતું. અને આમ પણ બે મુખ્ય વિષય તેઓ જ લેતા. બાકી બીજા બધામાં લખવાનું બહું ઓછું આવતું. તાલીમ દરમિયાન ક્યારેક કોઇક પોતાની પ્રતિભા પણ રજૂ કરતાં. તેમાં સૌથી મોખરે હતા વિજયભાઇ રામાવત ઉર્ફે “રામબાપુ” તથા કવિ “દાસ”. તેઓ મોજમાં આવી ક્યારેક ભજન લલકારતા તો ક્યારેક દુહાની રમઝટ. એક વખત તો એવું બન્યું કે પરસાણા સાહેબે એક દુહો ગાયો, તો વળી તેની સામે બાપુએ પણ એક દુહો રજૂ કર્યો. જાણ કે ગુજરાતી સાહિત્યની મહેફીલ ભરાઇ હોય… ગોવિંદભાઇએ એક વખત રી-સર્વે/માપણીનો લેક્ચર લીધેલ. તેણે જમીનની માપણી નવા ડીજીટલ મશીનથી કઇ રીતે થાય તે જણાવ્યું. ઉપરાંત એક વખત હું ત્યાં મારૂ લેપટોપ લઇ ગયેલ. અને મેં ગોવિંદભાઇને જાણ કરી કે મેં ઇ-ધરા વિશે એક પ્રઝેન્ટેશન બનાવ્યું છે, અને આપણે હોસ્ટેલમાં તે જોઇશું. આ વાત તેણે ભલુ સાહેબના લેક્ચરમાં કહી, અને બીજા ત્રણ ચાર જણાનો  સપોર્ટ મેળવી મને તે પ્રઝેન્ટેશન ક્લાસમાં આપવા ફરજ પાડી. હું હિંમત કરીને ઉભો થયો. મારૂ લેપટોપ LCD સાથે કનેક્ટ કર્યું અને પાવર પોઇન્ટમાં મારા દ્વારા બનાવાયેલી “ઇ-ધરા એક સફળ પહેલ” શરૂ કરી. બીજા કોઇનું ધ્યાન તો ન પડ્યું પણ હર્ષાબા ઉતાવડા થઇ બોલ્યા, નિલશે ડી. બંધીયા. નિલશેભાઇ… પછી શાહ ભાઇ બોલ્યા કે નિલેશને બદલે નિલશે લખાઇ ગયું છે. મારાથી ઉતાવડમાં ટાઇપ  કરતી વખતે નિલેશને બદલે નિલશે લખાઇ ગયેલ. મને થયું કે લો, મેં શરૂઆતમાં જ ભગો કર્યો. પણ પછી મેં શરૂઆત કરી. એક પછી એક સ્લાઇડ બદાલવતો ગયો ને તેની માહિતી આપતો ગયો. મારા એક વાક્ય ઉપર કેટલાક સહમત નહોતા… કે ઇ-ધરા આવવાથી ભ્રષ્ટાચાર ઘટ્યો છે. મેં તે સમજાવવાની કોશીશ કરી હતી. ઉપરાંતી ઇ-ધરાનું ભવિષ્ય કેવું હશે તેની પણ ચર્ચા કરી હતી, અને તેમાં બધાએ બહુ રસ દાખવ્યો હતો. એક અલગ અનુભવ રહ્યો. બધાની સામે પ્રઝેન્ટેશન આપ્યું, બધાને એ પ્રઝેન્ટેશન ગમ્યું પણ ખરૂં.

મારી અગાઉ તાલીમ લઇ આવેલ મારા સહ-કર્મચારીઓ મને વારી ઘડીએ કહેતા, કે બંધીયા તારી તાલીમ આવે એટલે જોજે બહુ જ મજા પડશે. ખરેખર, આ તાલીમ નોકરી તો ઠીક, પરંતુ જિંદગીના એક સુખદ સમય તરીકે ગણાય તેવી રહી. બહુ જ આનંદ આવ્યો, અને બધાએ ખુબ જ મજા કરી. બધાને માત્ર બે જ વાતની ચિંતા છે: એક તો પૂર્વ સેવા તાલીમની પરીક્ષા અને બીજી મહેસૂલી તલાટીના સંવર્ગની. મારે કોર્ટ ક્લાર્ક તરીકે ઓર્ડર આવવાનો છે, પરંતુ આજે જ્યારે હું જૂનાગઢ કોર્ટમાં નિવૃત APP વિક્રમભાઇ ભાદરકાની સાથે ગયો, ત્યારે ત્યાંના એક ક્લાર્કે મને કહ્યું કે તમે જો નોકરી કરો જ છો, તો આમાં ન આવો. કેટલાક કારણો આપ્યા. તો વળી, મારા વિભાગના લોકો એમ કહે કે આમાંથી નિકળી, અને કોર્ટમાં જતા રહો… કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન યાર…!!!

Advertisements

વિકિસ્રોત: પ્રથમ વર્ષગાંઠ

બે દિવસ પહેલા તા.31/03/2013ના રોજ અહીં રૂપાયતન ખાતે અમે બધા વિકિપીડીયન્સ ભેગા થઇ, વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી. કેટલાક મહિના પહેલા ઇમેલ આવ્યો કે આપણા વિકિસ્રોતને આગામી 27મી માર્ચે એક વર્ષ પૂર્ણ થાય છે, અને તેના સંદર્ભે આપણે સૌએ તેનો એક કાર્યક્રમ રાખવો જોઇએ. મને એ દિવસો યાદ આવી ગયો, કે જ્યારે અમે લોકો ગુજરાતી વિકિસ્રોત માટે નવા ડોમેઇનની અરજી કરેલ તથા 27મી માર્ચે તે ડોમેઇન એક્ટીવ કરવામાં આવેલ. ત્યારબાદ ધીરે ધીરે વિકિસ્રોત પર બધા કામ કરવા લાગ્યા. શરૂઆત ગાંધીજીના પુસ્તક “રચનાત્મક કાર્યક્રમ”થી કરી. આ પુસ્તકના સ્કેન કરેલા પાનાઓ બધા સક્રીય સભ્યોને ઇમેઇલ પર મોકલવામાં આવ્યા અને બધાએ પોતપોતાના ભાગમાં આવેલ પાનાઓને યુનિકોડ ફોન્ટમાં ટાઇપ કરી, તેને વિકિસ્રોતમાં અપલોડ કર્યાં. એ રીતે ધીરે ધીરે બીજા ઘણા બધા પુસ્તકો પર કાર્ય કર્યું, અને આખા પુસ્તકો વિકિસ્રોત પર ચડાવવામાં આવ્યા. હાલ ગુજરાતી વિકિસ્રોત પર 2407 જેટલી કૃતિઓ અપલોડ થઇ ચુકી છે.

તા.31/03/2013ના રોજ બધા સવારના નવ વાગ્યાની આસપાસ આવવા લાગ્યા હતા. સવારના વહેલા ઉઠી, અને હું કાર્યક્રમની તૈયારી કરવા લાગ્યો, આખરે આખા કાર્યક્રમનો યજમાન તો હું જ હતો ને ! સભાખંડમાં બધુ ગોઠવ્યું તથા પ્રોજેક્ટર ચેક કરી લીધું. થોડીવાર થઇ ત્યાં વ્યોમભાઇ આવી ગયા. ત્યારબાદ અશોકભાઇ પણ આવ્યા. ધીરે ધીરે બધા આવવા લાગ્યા. ધવલભાઇ તથા શુશાંતભાઇ આવ્યા બાદ અમે ધવલભાઇનું લેપટોપ પ્રોજેક્ટર સાથે કનેક્ટ કર્યું. પછી મોબાઇલને લેપટોપ સાથે રીમોટ્લી કનેક્ટ કરવા અમે લોકો ઘણા મથ્યા પણ, તેમાં સફળતા મળી નહીં. ટેક્નોલોજીનો પુરેપુરો ઉપયોગ થાય, અને સ્લાઇડ બદલવા માટે કોઇએ લેપટોપ પાસે બેસવું ન પડે, એટલે મારો એવો આગ્રહ હતો કે આપણે લેપટોપને મોબાઇલ સાથે કનેક્ટ કરી લઇએ. પરંતુ તેમાં નિષ્ફળ જતાં, વ્યોમભાઇને લેપટોપનું સંચાલન કરવા બેસવું પડ્યું. બધાને બસેડ્યા, અને કાર્યક્રમની શરૂઆત કરી. રાવલસાહેબે (વાયરલેસ પી.આઇ. તથા પ્રમુખ, જાયન્ટ્સ ગૃપ) આગલી સાંજે પ્રાથર્ના તેઓ પોતે બોલશે તેમ જણાવેલ, એટલે મેં તેમના માટે હાર્મોનિયમ (પેટી) તૈયાર જ રાખી હતી. તેઓએ પ્રાર્થના ગાઇ સંભળાવી. તેઓ ગાવા (સાહિત્ય)ના શોખીન છે. બધાને ભક્તિમય કરી દીધા. અમે સંચાલન વ્યોમભાઇને સોંપેલ. વ્યોમભાઇએ કાર્યક્રમ આગળ ધપાવતા, બધાનું સ્વાગત કર્યું. ત્યારબાદ વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ હોય, તેની કેક કાપી અને બધાને ખવડાવી. ત્યારબાદ રાવલસાહેબે તેમનું પ્રવચન આપ્યું. અને તેના પછી રૂપાયતનના મેનેજીંગ ટ્રસ્ટી, હેમંતભાઇએ પ્રવચન આપ્યું. તેઓએ અમારા આ કાર્યક્રમને આવકારતા કહ્યું કે રૂપાયતન આવા (સાહિત્યના) કાર્યક્રમને હંમેશા આવકારે છે, અને તેમાં રૂપાયતનનો તન, મન, અને ધનથી સહયોગ રહેશે. તેમણે અમારા જેવા યુવાનોને આવી નવી પ્રવૃતિ કરવા પ્રોત્સાહન આપ્યું. તેઓએ કહ્યું કે અમે તો પાનખર છીએ, પરંતુ આ નવી પેઢી વસંત છે. તે સાહિત્ય માટે કામ કરે છે, અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સાહિત્યની સેવા કરે છે, એ જાણી ખુબ જ આનંદ થાય છે.

This slideshow requires JavaScript.

ત્યારબાદ ધવલભાઇએ તેમનું વિકિસ્રોતના ઇતિહાસ અંગેનું પ્રેઝેન્ટેશન આપ્યુ. જેમાં વિકિસ્રોત જ્યારે અંગ્રેજી વિકિસોર્સમાં હતું, ત્યારથી લઇને તેનું ગુજરાતી ડોમેઇન અસ્તિત્વામાં આવ્યું ત્યારસુધીનો ચિતાર આપતું પ્રેઝેન્ટેશન આપ્યું. ત્યારબાદ શુશાંતભાઇએ વિકિસ્રોત શું છે? તેને કઇ રીતે વાપરવું, તથા સક્રિય સભ્યોનો પરિચય આપતું પ્રેઝેન્ટેશન આપ્યું. ત્યારબાદ લંડન સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીના એક સભ્યનો વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તેનો સંદેશ વિડિયો બતાવવામાં આવ્યો. ત્યારબાદ વિકિસ્રોતના સભ્યોને સર્ટીફીકેટ તથા ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું.

એક નવીન વાત: તે દિવસે અમારા બધાથી અલગ પડે તેવા વિકિસ્રોતના એક સભ્ય; જેને તમે જોતા જ અચરજ થાય કે આ વિકિ સભ્ય હોઇ શક? સફેદ દાઢી, માથે ટોપી, તથા ભગવો વેશ… પહેલી નજરે તો એમ જ લાગ્યું કે આ તો કોઇ સાધુ મહાત્મા ભુલથી અહીં ચડી આવ્યા હશે. પરુંત પુછતાછ કરતાં ખ્યાલ આવે છે કે સાધુ – સ્વામી રાજેશ્વરગીરી છે. જેઓ વિકિના સભ્ય પણ છે. તેઓ વિકિસ્રોતને વાંચે છે, તેનો ઉપયોગ કરે છે, તથા ક્યારેક તેમનું યોગદાન પણ આપે છે. બપોરે જમતી વખતે મેં એ સ્વામીનું ઇન્ટરવ્યૂ લીધુ… તેઓ મોટી પાનેલી ગામે ખોડીયાર આશ્રમમાં રહે છે. તેઓ પોતે મોબાઇલ દ્વારા ઇન્ટરનેટ વાપરે છે. અને મોબાઇલથી જ ફેસબુક, ટ્વીટ્ટર, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, તથા વિકિપીડિયા અને વિકિસ્રોત જેવી વેબસાઇટ સર્ફ કરે છે. મેં તેઓને લેપટોપ લેવા સુચન કર્યું, ત્યારે તેઓએ જવાબ આપ્યો કે અત્યારે મારી પાસે મોબાઇલ છે તે પણ કેટલાકને પસંદ નથી. તેઓ એમ કહે છે કે તમારે (બાવાને) વળી મોબાઇલની શી જરૂર? પણ એક વાત ખરી, કે તેનું યોગદાન નોંધનીય છે.

કાર્યક્રમ પુરો કરી, જમ્યા બાદ બધા થોડીવાર ગુલમહોર નીચે બેઠા બેઠા ડાયરાની જમાવટ કરી. ત્યારબાદ અમે બધા ભવનાથમાં ગયા અને ઠંડુ પી બધા રવાના થયા.

*તાજા કલમ: હમણાં જ થોડીવાર પહેલા હું સિંહો જોઇને આવ્યો છું. એક નહીં, બે નહીં, પુરા 5 સિંહોને શિકાર કરતાં જોયાનો આનંદ હજૂ વિસરાતો નથી. એમ જ થતું હતું કે હજૂ જોતા જ રહીએ.

મારી કર્મભુમી – ભાણવડ

ભાણવડ…,

બે મહિના પછી મારે ભાણવડમાં બે વર્ષ પૂર્ણ થશે. ત્યારથી લઇને આજ સુધી ભાણવડ વિષે મારા આ બ્લોગ પર ઉલ્લેખ કરવાનું વિચારી રહ્યો હતો, પરંતુ યોગ્ય સમય જ નહોતો મળતો. હું ભાણવડમાં તા.05/03/2011ના રોજ હાજર થયો હતો. આમ તો ભાણવડમાં મારા માટે સાવ અજાણ્યું શહેર હતું. આ પહેલાં ક્યારેય ભાણવડ જોયું નહોતું. માત્ર નામ સાંભળ્યું હતું. અહીં ફરવા લાયક ઘણા બધા સ્થળો તથા જગ્યાઓ છે, પરંતુ એમાંની ઘણી બધી જગ્યાએ હજુ સુધી જઇ શકાયું નથી. સમયના અભાવને કારણે ક્યાંય નીકળી શકાતું નથી. રવિવારે રજા હોય, પરંતુ રવિવારે ઘરે આવી જાંઉ છું, એટલે ભાણવડમાં રવિવાર બહુ ઓછા જોયા છે.

This slideshow requires JavaScript.

ભાણવડમાં પુરાતત્વની દ્રષ્ટીએ ઘણા બધા સ્થળો જોવા લાયક છે. પ્રાચીન સ્થળોમાં ઘુમલી તથા મોડપરનો કિલ્લો જોવા લાયક છે. આ ઉપરાંત અહીં શહેરમાં જ આવેલ પ્રખ્યાત વીર માંગળાવાળાની જગ્યા – ભુતવડ, ઇન્દ્રશ્વર મહાદેવનું મંદિર કે જે ત્રીવેણી તરીકે પણ ઓળખાય છે. તથા શહેરથી થોડે દુર આવેલ ગાયત્રી આશ્રમ. હમણાં બે ત્રણ અઠવાડીયા પહેલાં હું ઘુમલી તથા મોડપરના કિલ્લો જોવા ગયો હતો. ઘુમલી સવારના વહેલાં ગયા હતા, તથા મોડપરના કિલ્લે સાંજના સમયે.

ઘુમલીની વાત કરીએ તો પ્રાચીનતમ શહેર તથા રાજધાની. ભાણવડથી થોડે દુર આવેલ ઘુમલી ગામ એક વખતના સમયમાં ગુજરાતની રાજધાની રહી ચુકેલ. આશરે ૭મી સદીમાં ઘુમલી શહેર બાંધવામાં આવ્યું હતું. જેઠવા વંશમાં શ્રીનગર (પોરંબદર)થી ખસેડી અહીં ઘુમલીને જેઠવા રાજની રાજધાની બનાવવામાં આવી હતી. ભાણ જેઠવા હાર્યા ત્યાં સુધી ઘુમલી (આશરે ૧૩૧૩સુધી) રાજધાની તરીકે રહેલ, અને ત્યારબાદ તેને રાણપુર ખાતે ખસેડવામાં આવી. ઘુમલી ખાતે માતા આશાપુરાનું મંદીર આવેલ છે. આ મંદીર પણ પ્રાચની છે.

ઘુમલીમાં આવેલ નવલખો મહેલ ૧૧મી સદીમાં જેઠવા રાજવીઓ દ્વારા બનાવવામાં આવેલ. અહીં આવેલ સૂર્ય મંદીર ગુજરાતનું પ્રાચીનત્તમ સૂર્ય મંદીર મનાય છે. નવલખો એ સમયે નવ લાખના ખર્ચે બંધાયો હોવાનું મનાય છે, કદાચ આથી જ તેનું નામ નવલખો (નવ લાખ) રાખવામાં આવ્યું.

આ ઉપરાંત અહીં મોડપર ગામે એક પ્રાચની કિલ્લો આવેલો છે. ઉપરકોટનો કિલ્લો તો બહુ જ વિશાળ છે, પરંતુ આ કિલ્લો પણ કાંઇ કમ નથી. ભલે વિસ્તારની દ્રષ્ટીએ બહુ નાનો હોય, પરંતુ મોડપરના કિલ્લામાં રાખવામાં આવેલ સુવિધાઓ તથા તેની ગોઠવણી જોવા લાયક છે. મોડપરના કિલ્લામાં પ્રવેશતાની સાથે જ તમારી આંખો સામે તેનો વિશાળ દરવાજો નજરે ચડે. તેનું લાકડાનું વિશાળ બારણું. કેટલું મજબુત. મારે ફોટો પાડવો હતો, એટલે દરવોજ બંધ કરવો હતો, અમે ત્રણ જણ (હું, વાઘેલાભાઇ તથા દિવ્યેશભાઇ) થઇને માંડમાંડ દરવાજો બંધ કર્યો. મને તો ડર લાગતો હતો કે ક્યાંક દરવાજો બંધ તો થઇ જશે, પણ પાછો ખુલશે નહીં તો ? અંદર નાનુ મેદાન છે. જ્યાં ફિલ્મોમાં બતાવવામાં આવે છે તે રીતે કુસ્તી જેવા કાર્યક્રમો રખાતા હતા, એવું લાગે. અંદર કોઠાર, પાણીનો હોજ, જેલ, તબેલો, અરે હાથીને બાંધવાના થાંભલા પણ જોયા. રાણીના અલગ ઓરડા, રસોડું વિગેરે વિગેરે… એક જગ્યા તો એવી હતી કેં જ્યાં તમે ઉભા રહો, તમને એમ જ લાગે કે જાણે ACની હવા પણ ઓછી પડે. અહીં સોનાના ચરૂઓની માન્યતા પણ છે. અહીં મેં બે થી ત્રણ પોઇન્ટ એવા જોયા કે જ્યાં ઘડો ફીટ થઇ શકે તેવી જગ્યા દીવાલમાં હતી. અને દીવાલ તુટેલી. એનો મતલબ એ કે શું અહીં દીવાલની અંદર આવા ઘડા સંતાડીને રખાતા? ત્યાબાદ અંડરગ્રાઉન્ડ પાણીની નહેર પણ જોઇ. ઉપરાંત એવી સિસ્ટમ રાખેલી છે, કે ચોમાસા દરમિયાન બધુ પાણી એક જગ્યાએ હોજમાં એકઠું થઇ શકે. દીવામાં રાખેલ નાની નાની જગ્યાઓ કે જેમાંથી બંદુક વડે દુશ્મનો પર ફાયરીંગ કરી શકાય. અહીં કિલ્લાની અંદર એક મૂર્તી – પથ્થર છે. જ્યાં કેટલીક જાતીના લોકો દ્વારા દર વર્ષે મીઠું – નમક ચડાવવામાં આવે છે. મને એ વાત જાણીને અત્યંત નવાઇ લાગી. કારણ કે કોઇ શ્રીફળ વધારે, કોઇ વળી બીજી કોઇ પ્રસાદી, પરંતુ અહીં તો નમક…! જેવી જેની શ્રદ્ધા…

આજે તો રૂપાયતન છું, ચાલો ફરીથી મંગળવારે જઇશ…કર્મભુમીમાં…ભાણવડમાં !!!

 

નરસિંહ મહેતા એવોર્ડ 2012 અને મનોજપર્વ 6 – મોકુફ

આદ્યકવિ શ્રી નરસિંહ મહેતા

નરસિંહ મહેતા એવોર્ડ 2012 તથા મનોજપર્વ 6 નો કાર્યક્રમ હાલ પુરતો મુલત્વી રાખવામાં આવ્યો છે. નરસિંહ મહેતા એવોર્ડ 2012 તથા મનોજપર્વ 6 બન્ને કાર્યક્રમ હવે પછીની પુનમ એટલે કે કાર્તિકી પૂર્ણિમાના દિવસે તા.28/11/2012ના રોજ કૈલાશ ગુરુકુળ ખાતે યોજાશે.

નરસિંહ મહેતા એવોર્ડ 2012 | મનોજપર્વ 6

નરસિંહ મહેતા એવોર્ડ – 2012

“એક એવું ઘર મળે આ વિશ્વમાં

જ્યાં કશા કારણ વિના પણ જઇ શકું”

“વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી,

એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી”

–     માધવ રામાનુજ

એવોર્ડ અપર્ણ: પરમ પૂજ્યશ્રી મોરારીબાપુ

કાવ્ય પાઠન: શ્રી માધવ રામાનુજ

વિશેષ વ્યક્તવ્ય: શ્રી રઘુવીર ચૌધરી

સન્નિધિ: શ્રી લાભશંકર પુરોહિત

સ્વર પ્રતિભા: શ્રી પીયુષ દવે

ઉદ્ઘોષણા: શ્રી અંકિત ત્રિવેદી

સમારોહ

શરદ પૂનમ, વાલ્મીકિ જયંતી, 29 ઓક્ટોબર, 2012 સાંજે 5:30

સ્થળ: રૂપાયતન પરિરસ, ગિરનાર તળેટી, ભવનાથ, જૂનાગઢ.

આ સમારોહનું પ્રસારણ “आस्था” ચેનલ દ્વારા અનુકુળતાએ કરવામાં આવશે.

“પાસપાસે તો ય કેટલાં જોજન દૂરનો આપણો વ્યાસ !

જમે કે ગગન સાવ અડોઅડ તો ય છેટાંનો ભાસ.”

–     માધવ રામાનુજ

આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ, જૂનાગઢ દ્વારા વિદ્યમાન ગુજરાતી કવિને તેનાં સમગ્ર કવિતા-સર્જનને લક્ષમાં લઇને પ્રતિવર્ષ અપાતો ગુજરાતી કવિતાનો ગૌરવપ્રદ, સત્તરમો “નરસિંહ મહેતા એવોર્ડ”, સુપ્રસિદ્ધ કવિશ્રી માધવ રામાનુજને એનાયત થશે.

ગુજરાતના સાક્ષરો, વિદ્વજ્જોની ઉપસ્થિતિમાં કવિશ્રીનું સન્માન કરી, ₹ 1,51,000/- ના રાશિ સાથે, નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમાના સ્મૃતિચિહ્નનો 2012નો “નરસિંહ મહેતા એવોર્ડ” અર્પણ થશે.

ગુજરાતી સાહિત્યના આ ગૌરવવંતા પ્રસંગે આપને, સહુ રસિકજનો સંગાથે ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે.

સ્નેહાધિન

હર્ષદ ચંદારાણા

મેનેજિંગ ટ્રસ્ટી

આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ

ટ્રસ્ટી મંડળ

શ્રી રઘુવીર ચૌધરી – અધ્યક્ષ

શ્રી હરીશચન્દ્ર જોશી – કોષાઘ્યક્ષ

શ્રી હર્ષદ ચંદારાણા – કાર્યાધ્યક્ષ

શ્રી પ્રફુલ્લ નાણાવટી – ટ્રસ્ટીશ્રી

શ્રી લાભશંકર પુરોહિત – ટ્રસ્ટીશ્રી

શ્રી અનિલ ખંભાયતા – ટ્રસ્ટીશ્રી

પોસ્ટ બોક્ષ: 46, મહાત્મા ગાંધી રોડ, અમરેલી – 365 601


મનોજપર્વ – 6

“તળેટી જતાં એવું લાગ્યા કરે છે,

હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે.”

“બીજમાંથી સીધી પૂનમ દઇ દે!

સ્હેજ પાંપણ નમેલી ખોલી નાખ.”

1.નવલોહિયાનું કવિ સંમેલન

28 ઓક્ટોબર, 2012, રવિવાર, સાંજે 5:30

સ્થળ: રૂપાયત પરિસર, ગિરનાર તળેટી, ભવનાથ, જૂનગાઢ.

પ્રેરણાદાયી ઉપસ્થિતિ: પરમ પૂજ્યશ્રી મોરારીબાપુ

દીપ-પ્રાગટ્ય: શ્રીમતી પૂર્ણિમાબહેન મોનજભાઇ ખંડેરિયા

કવિગણ સર્વશ્રી: પ્રણવ પંડ્યા, જાતુષ જોશી, ભાવેશ ભટ્ટ, મિલિન્દ ગઢવી, વિમલ અગ્રવાત, નિલેશ પટેલ, રાહુલ શ્રીમાળી

કવયિત્રીવૃંદ સર્વશ્રી: દિવ્યા મોદી, એષા દાદાવાલા, છાયા ત્રિવેદી, લક્ષ્મી ડોબરીયા

ઉદ્ઘોષણા: શ્રી પ્રણવ પંડ્યા

2.અદ્યતન ગુજરાતી દીર્ઘ કવિતા: વિવેચનાત્મક અભિવ્યક્તિ

29 ઓક્ટોબર, 2012, સોમવાર, સવારે 9:30

સ્થળ:શ્રીમતી એન.બી.કાંલિયા કન્યવિદ્યાલય, વંથલી રોડ, જૂનગાઢ.

અધ્યક્ષતા: શ્રી ચન્દ્રકાંત શેઠ

ભૂમિકા: શ્રી રઘુવીર ચૌધરી

ઉદ્ઘોષણા: શ્રી નીતિન વડગામા

વક્તવ્ય: સર્વશ્રી રમેશ મહેતા, દીપક રાવલ, સમીર ભટ્ટ, કુમાર જૈમિની શાસ્ત્રી અને યોગેશ જોશી

 

આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ, જૂનાગઢના પ્રથમ અધ્યક્ષ અને મૂર્ધન્ય કવિ શ્રી મનોજ ખંડેરિયાની સ્મૃતિમાં, આ ટ્રસ્ટના ઉપક્રમે “મનોજપર્વ-6’ ઉજવાશે.

કવિશ્રી મનોજ ખંડેરિયાની સ્મૃતિને શણગારવા આ અવસરે, ગરવી ગુજરાતી ગિરાના ઉભરતા તેજસ્વી અને યુવા કવિઓનું નવલોહિયાનું કવિસંમેલન યોજ્યું છે. તેમ જ ગુજરાતના સાક્ષરો, વિદ્વજ્જોની ઉપસ્થિતિમાં ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યકારોનો અદ્યતન ગુજરાતી દીર્ઘ કવિતા: વિવેચનાત્મક અભિવ્યક્તિ અંતર્ગત વાર્તાલાપ સંપન્ન થશે.

ગુજરાતી સાહિત્યના આ ગૌરવવંતા પ્રસંગે આપને, સહુ રસિકજનો સંગાથે ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે.

સ્નેહાધીન

હર્ષદ ચંદારાણા

મેનેજિંગ ટ્રસ્ટી

આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધી

Click @ NBB – Delhi

This slideshow requires JavaScript.

Click…

Shutter Speed…

Aperture…

ISO…

આ બધા શબ્દો નથી સાહિત્યના, કમ્પ્યુટરના, કે પછી રેવન્યુના, આ શબ્દો છે ફોટોગ્રાફી ફિલ્ડના… જી, હા એક નવા ફિલ્ડ સાથે હું જોડાયો છે: ફોટોગ્રાફી… હમણાં બે દિવસ પહેલાં રાષ્ટ્રીય બાલ ભવન – નવી દિલ્હી દ્વારા આયોજીય ડીજીટલ ફોટોગ્રાફીના એક વર્કશોપમાં મેં હાજરી આપી હતી. નેશનલ બાલ ભવન – નવી દિલ્હી દર વર્ષે કોઇક ને કોઇક નવા વિચાર, નવી ટક્નોલોજી સાથે વર્કશોપ તથા તાલીમોનું આયોજન કરતું રહે છે. આ વખતે નેશનલ બાલ ભવન દ્વારા તા.11/09/2012 થી 15/09/2012 દરમિયાન ડીજીટલ ફોટોગ્રાફી માટેનો વર્કશોપ રાખ્યો હતો. જેમાં રૂપાયતન બાલ ભવન – જૂનાગઢના પ્રતિનિધિ તરીકે મને જવાનો મોકો મળ્યો. અને આના માટે હું અમારા રૂપાયતન બાલ ભવનના ડિરેક્ટર શ્રી હેમંતભાઇ નાણાવટી, મારા પિતાશ્રી ધરણાંતભાઇ બંધીયા, તથા અમારા તાત્કાલીન મામલતદારશ્રી વી.ઝેડ.ચૌહાણનો આભાર વ્યક્ત કરૂ છુ.

દસ તારીખે હું ત્યાં બાલ ભવનના પરિસર ખાતે પહોંચી ગયો. ત્યાં જઇ રજીસ્ટરમાં એન્ટ્રી કરી, અને સીધુ જ ગુજરાતી મગજે જોઇ લીધું કે ગુજરાતની એકેય એન્ટ્રી નથી. મારી પહેલી એન્ટ્રી હતી કે જેનું રાજ્ય ગુજરાત હોય. હું ઉપર હોસ્ટેલમાં ગયો. થોડીવાર પછી હું બધુ ગોઠવતો હતો, ત્યાં શબ્દો સંભળાયા: “ઉંધી ચાદર છે, સીધી પાથરો…” મારી ખુશીનો પાર ન રહ્યો. અહીં બીજા ગુજરાતી પણ આવી ગયા… ખરેખર આ ગુજરાતીપણું ક્યારે દુર થશે ? પછી તો ધીરેધીરે અમે લોકો 7 ગુજરાતી થઇ ગયા. ટોટલ અમે લોકો 28 જણ હતા. બધા અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા હતા. બે વ્યક્તિતો છેક મિઝોરમ તથા મણિપુરથી આવ્યા હતા. પહેલાં દિવસે તો અમે લાલ કિલ્લો જોવા નિકળી ગયા. દિલ્હીની સીટીબસ – એસી વાળી – નો લાભ લીધો… With Full Traffic… ઉભવાની જગ્યા પણ માંડ માંડ મળી શકતી હતી. કોઇક ટીકીટ ન લે તો પણ કંડક્ટર (માસ્તર)ને ખ્યાલ ન આવે તેવી ભીડ. (આવો વિચાર ગુજરાતીને જ આવે !) પણ મારા આ વિચારનું પણ ખંડન થઇ ગયું. અમે જેવા બસ સ્ટોપે નીચે ઉતર્યા કે તુરત જ DTCના કર્મચારી ત્યાં ઉભા હોય, અને ટીકીટ તપાસે. જેની પાસે ન હોય, તેને ₹ 200/- નો દંડ. અમારી પાસે તો હતી જ ! લાલ કિલ્લા પાસે પહોંચ્યાં. અંદર ગયા, પણ ક્યાંય પ્રવેશ દ્વાર દેખાય નહી. અમે લોકો પાર્કિંગમાંથી અંદર ઘુસી ગયા. ફોટોગ્રાફી કરવા લાગ્યા. એના માટેતો ત્યાં ગયા હતા… પરંતુ શોધખોળ કરતાં ખબર પડી કે અહીં દિલ્હીમાં સોમવારે બધા જાહેર સ્થળોએ રજા હોય છે. અમે નિરાશ થઇ, બાલ ભવન પરત ફર્યા. સાંજે જમ્યાં. વળી પાછું, ગુજરાતપણું… જમવાનું ફાવે નહી. અને છાશ વિનાતો ગળે ઉતરે જ નહીં. આજુ બાજુ ક્યાંય છાશ કે દહીં પણ મળે નહીં. પરંતુ મનને સમજાવી લીધું કે આવા ધોખા ન કરાય, આપણે ક્યાં અહીં કાયમી રહેવું છે? માત્ર 5 દિવસનો જ તો સવાલ છે…

સવારે દસ વાગ્યે ફોટોગ્રાફીનું શેશન શરૂ થયું. આશિશભાઇ ભટ્ટાચાર્ય તથા રાજેન્દ્રકુમાર વધવા અમારા ફોટોગ્રાફીના ફેકલ્ટી હતા. તેઓએ બન્નેનો પરીચય આપ્યો અને અમારો બધાનો પરીચય લીધો. મારા પરીચયમાં મેં નામ તથા જૂનાગઢ બાલ ભવન, ગુજરાત એવું કહ્યું. એટલે આશીશભાઇએ કહ્યું “उसका नाम क्या है?” મેં જવાબ આપ્યો: “રૂપાયતન”. એણે કહ્યું: जी हा, में वहा आया था, बहुत अछ्छी जहः है. આશિશભાઇ બે થી ત્રણ વર્ષ પહેલાં અહીં ચોમાસામાં આવેલા એવું તેણે જણાવ્યું. અને ફરીથી તેઓ માર્ચ-2013માં ગુજરાતમાં ફોટોગ્રાફી માટે આવશે. મેં તેને રૂપાયતન આવવાનું આમંત્રણ આપ્યું. તેણે ચોક્કસ આવવા જણાવ્યું. આશીશભાઇ બહુ જ સારા એવા ફોટોગ્રાફરની સાથે ઘણુ બધુ ફરેલા છે, અને હિન્દી સિવાયની ત્રણ થી ચાર ભાષાઓ જાણે છે. ગુજરાતી પણ થોડું ઘણું જાણે છે. અમે તેની પાસે ગુજરાતીમાં કખગઘ… લખવ્યા હતો. રાજેન્દ્રકુમાર વધવા ત્યાંના ફોટોગ્રાફી ડીપાર્ટમેન્ટના ઇનચાર્જ છે. તેઓ જન્મજાત ફોટોગ્રાફર છે. તેમની વધવા ફેમેલીમાં જ ફોટોગ્રાફી પહેલેથી જ શોખની વસ્તુ રહી છે. તેમના દાદા, પિતા, તે અને હવે તેમની પુત્રી બધા ફોટોગ્રાફી ફિલ્ડ સાથે સંકંળાયેલા છે. પહેલાં દિવસે તો ફોટોગ્રાફીની હિસ્ટ્રી વિષે કહ્યું. ત્યારબાદ વિવિધ કેમેરાના પ્રકારો વગેરે જણાવવામાં આવ્યા. વચ્ચે એક વાગ્યે લંચ બ્રેક પડે અને ફરીથી બપોર પછીનું શેશને સ્ટાર્ટ થાય. સાડા ચાર થી પાંચ વાગ્યા સુધીમાં બીજુ શેશન પુરૂ થતું. ફોટોગ્રાફીમાં અમે નવા નવા અખતરા પણ કર્યા. અમે ત્રણ જણ – હું, કૃણાલભાઇ તથા નિતિશભાઇએ ભેગા થઇ, રાત્રે ભાલ ભવનના મેદાનમાં કેમેરનામાં કેટલાંક સેટીંગ્સો કરી, મારા મોબાઇલની ટોર્ચ વડે દિલ્હી, જેવા શબ્દો લખ્યાં. કેમેરાનું શટ્ટર ખુલ્લુ રાખી, ટોર્ચથી જે લખો, તે એક ઇમેજના રૂપમાં કન્વર્ટ થઇ જાય…

દિલ્હીમાં મેટ્રોની મુસાફરીનો પણ આનંદ લીધો. મેટ્રો એટલે મેટ્રો… બહુ જ મોટો પ્રોજેક્ટ છે. મેન્ટ્રો સ્ટેશનમાં અંદર જઇ,  ટોકન લેવાનું તથા, તેને મશીનમાં ડ્રેગ કર્યા પછી, જ સ્ટેશનમાં અંદર જવાનો દરવાજો ખુલે. એ ટોકન લઇને જે મેટ્રોમાં જવાનું હોય, તેમાં મેટ્રો આવે એટલે કોઇની પણ રાહ જોયા વિના ચડી જવાનું, નહીંતર રહી જશો. અંદર મેટ્રોમાં તેના ડ્રાઇવર સિવાય બીજા કોઇ મેટ્રો કર્મચારી દેખાય નહીં. માત્ર મુસાફરો. દરવાજા ઉપર મેપ દર્શાવેલો હોય છે. જેમાં હાલનું સ્ટેશન પણ બતાવે, અને તેના પછી ક્યુ આવી રહ્યું છે તે પણ ડિસ્પ્લે થાય.અને સાથે સાથે સુચના પણ સંભળાય: अगला स्टेशन राजीव चौक है. आपकी बाईऔर दरवाजा खुलेगा. બન્ને બાજુ દરવાજા હોય છે. જે બાજુ પ્લેટફોર્મ હોય, તે બાજુનો જ દરવાજો ખુલે. Incredible Metro…

દિલ્હીમાં લાલ કિલ્લો, ચાંદની ચૉક, લોટસ ટેમ્પલ, દિલ્હી ગેટ, ઇન્ડિયા ગેટ, બહારથી રાષ્ટ્રપતિ ભવન, સંસદ વિગેરે ઘણા બધાં સ્થળોની મુલાકાત લીધી. કેરોસીન મુક્ત દિલ્હી શહેર… ઠેર ઠેર પોલીટીકલ માણસોના પોસ્ટરો… એક તરફ ગગન ચુંબી ઇમારતો તો એક તરફ રેલ્વે સ્ટેશન નજીક ઝુંપડ પટ્ટીઓ. ક્યાંક સામાન્ય માણસતો શ્વાસ પણ ન લઇ શકે તેવી ગંદકી, તો ક્યાંક શાંતિવન જેવી સુંદર જગ્યાઓ. એક તરફ ટાટા ક્રોમા જેવા મોટા મોટા ઇલેક્ટ્રોનિક્સના શોરૂમો છે, તો પાઇરસીની એસ્સીતેસ્સી કરી નાખે તેવી ચાંદની ચોકની બજારો છે. દિલ્હી ખરેખરે અદ્દભુદત શહેર છે !

ઇ-ધરા: એક સફળ પહેલ

બીજા અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત ઇ-ગવર્ન્સમાં ક્યાંય આગળ પડતુ છે એમ કહીએ તો એમાં કોઇપણ અતિશિયોક્તિ નથી. પરમદિવસે ઇ-ધરાની તાલીમ માટે DISRA, ગાંધીનગર ખાતે જવાનું થયું. આ તાલીમ દરમિયાન ઘણુ બધુ નવું શિખવાનું મળ્યું, અને NICનાં બે ઓફિસરોને સાંભળવાનો મોકો મળ્યો. આ બન્ને એટલે અમિતભાઇ શાહ તથા નિલેશભાઇ જેઠવા. નિલેશભાઇનું નામ તો સાંભળેલું પણ રૂબરૂ મુલાકાત પણ થઇ. મને પહેલેથી જ NICમાં રસ છે. જોબમાં જોડાયા પછી NIC  નો વિશેષ પરીચય થયો, અને રસ વધ્યો. તો આજે મારે ઇ-ધરા વિષે થોડું લખવું છે.  હું ઇ-ધરાને જેટલે અંશે સમજી શક્યો છું, તે કહેવા પ્રયત્ન કરૂ છુ.

મારા મત મુજબ ગુજરાતની ઘણી બધી સફળ પહેલોમાંની એક સૌથી સફળ પહેલ એટલે “ઇ-ધરા”. ઇ-ધરા પ્રોજેક્ટનો પાયો સને 1888-89 દરમિયાન નખાયો. ત્યારબાદ 1997થી આ પ્રોજેક્ટને National Informatics Center (NIC)નો સહયોગ પ્રાપ્ત થયો. NIC દ્વારા શરૂઆતમાં પાયલોટ તરીકે એક તાલુકામાં કામગીરી શરૂ કરવામાં આવી, અને તલાટી (પંચાયત મત્રી) દફતરે રખાતા રેકર્ડને કમ્પ્યુટરાઇઝ્ડ કરવાની શરૂઆત થઇ. ત્યારબાદ તમામ જીલ્લા કલેક્ટર કચેરીએ એજન્સી મારફત બધા ગામ નમુના નં. 7, 8-અ તથા 12 (ત્યારે બન્ને 7/12)ની ડેટા એન્ટ્રી કરવામાં આવી. અને આ પ્રોજક્ટને મુખ્યમંત્રીશ્રીનો આવકાર મળતા, 26 જાન્યુઆરી, 2004થી કમ્પ્યુટરાઇઝ્ડ રેકર્ડને અમલમાં મુકાયું. ત્યારબાદ 2004-05-06 માં અધિકારીઓ/કર્મચારીઓને ઇ-ધરાની તાલીમ આપાઇ. ત્યારબાદ તાલીમ કાર્યક્રમ બંધ થઇ ગયો, પરંતુ ફરીથી એક વખત નવા જુસ્સા સાથે બધાના પ્રયત્નોથી એપ્રિલ, 2012માં પંડીત દીનદયાળ મોજણી અને વહીવટી સંસ્થા (DISRA), ગાંધીનગર ખાતે તાલીમ કાર્યક્રમનો ઉદ્ઘાટન કરવામાં આવ્યો. ત્યારે ફરીથી બધા જીલ્લાઓના કર્મચારીઓને ઇ-ધરાની તાલીમ આપાઇ. અને હવે તો તાલીમ કાર્યક્રમો ચાલુ જ છે. જેનાથી કર્મચારીઓને વિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય.

હું તો ઇ-ધરા એપ્લીકેશ તથા તેના વિવિધ સોફ્ટવેરો જોઇ (ઉપયોગ કરીને) ઉંડા વિચોરોમાં પડી જાંઉ છું, કારણ કે આની પાછળ કેટલું બધુ કોડીંગ તથા લોજીક છે. આટલો બધો ડેટા એકી સાથે સાચવી રાખતું આપણું State Data Center (SDC) પણ કેટલું પાવરફુલ છે, જેની પર દરરોજ અસંખ્યા સાયબર એટેક થાય છે, જેને SDC/Central Serverની પાવરફુલ ફાયરવૉલને પાર રોકી દે છે. શરૂઆતના તબ્બકામાં ઇ-ધરાનો સંપૂર્ણ ડેટા જેતે લોકલ સર્વર પર રખાતો, જેને બદલે હવે માઇગ્રેશન કરી, સ્ટેટ ડેટા સર્વર તથા સેન્ટ્રલ સર્વર, ગાંધીનગર ખાતે ખસેડાયેલ છે. આ તમામ ડેટા ગુજરાતી ભાષામાં હોય, યુનિકોડમાં કન્વર્ટ કરી દેવાયેલ છે.

 

રેવન્યુ તલાટી @ ઇ-ધરા

હાલ ઇ-ધરામાં નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણુંક આપાઇ છે. જેને ઇ-ધરાની તાલીમ પણ આપાઇ રહી છે. જુના એજન્સીના ઓપરેટરોની પ્રથા રદ્દ કરી, નવનિયુક્ત રેવન્યુ તલાટીઓને આ કામગીરી સોંપવામાં આવી છે. અત્યારે મોટાભાગના તાલુકાઓમાં ઇ-ધરાની કામગીરી રેવન્યુ તલાટીઓ સંભાળી રહ્યા છે. અને બહુ જ સફળતા પુર્વક કામગીરી થઇ રહી છે. આ ઉપરાતં સબ ઇ-ધરાનો પાયલોટ પણ કદાચ શરૂ છે, જે પણ કંઇક નવી સફળતા લઇને આવશે. સરકારે પણ જોયું છે, અનુભવ્યું છે, અને સારો એવો પ્રતિભાવ પણ મળ્યો છે. સરકારને મહેસૂલી (રેવન્યુ) તલાટી પાસેથી ઘણી બધી આશા છે. અને એ સાકાર થશે જ. કેટલાક તાલુકામાં રેવન્યુ તલાટીઓને 135 ડીની નોટીસની કામગીરી આપવામાં આવેલ છે, તો કેટલાક તાલુકામાં અન્ય કામગીરી સોંપવામાં આવેલ છે. ભલે અત્યારે થોડું ગુચવાયેલ જણાતું હોય, પરંતુ ભવિષ્ય ઉજળું હોઇ શકે…

 

ભવિષ્ય @ ઇ-જમીન

હવે એ સમય દુર નથી, કે આપણે ઘરભેઠા કોઇ પણ કચેરીને લગત અરજી કરી શકીશું, અને એનો તાત્કીક પ્રત્યુત્તર મળી રહે. ઇ-ધરાને સબ રજીસ્ટરની કચેરી સાથે લીન્કઅપ આપી દેવાયી છે, જેથી અરજદારને ઇ-ધરા ખાતે આવવું પડુતં નથી, અને ત્યાંથી તેના ફોટો-ફિંગર પ્રિન્ટ વેરીફાઇ થઇ જાય. અરજદાર પોતે પોતાની અરજીની સ્થિતી ઓનલાઇન ઇન્ટરનેટ પરથી જાણી શકશે. હું તો ત્યાં સુધી વિચારૂ છું કે એ સમય  પણ દુર નથી કે અરજદાર પોતે એક SMS કરે, અને એક જ મિનિટમાં અરજદારના મોબાઇલમાં ગામ નમુના નં.7, 8-અ, અથવા 12 કે 6ની અદ્યતન માહિતી મળી રહે. અને એ કાંઇ અઘરૂ પણ નથી, NIC આના માટે સંપૂર્ણ પણે સક્ષમ છે. SMS સર્વિસીસ તો શરૂ કરી જ દીધી જ છે, અરજદાર જેવી અરજી આપે, કે તુરત જ તેને મોબાઇલમાં SMS મળે છે: AAPANI ARJI SWIKARAI GAI CHHE… અને જ્યારે તેની નોંધ પ્રમાણિત થાય, અને S-Form બની ગયા બાદ, જ્યારે અસર અપાય ત્યારે ફરીથી એક SMS મળે છે.

અરજદાર કોઇપણ કચેરીની અરજી માત્ર તેના ATVT  કેન્દ્ર ખાતે આપી દે. ઇ-ધરા પ્રોજેક્ટને આજ સુધી ઘણા બધા એવોર્ડ્સ પણ મળી ચુક્યા છે. થોડા સયમ પહેલાં દિલ્હી ખાતે મળેલી એક કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું કે ગુજરાત લેન્ડ રેકર્ડ કમ્પ્યુટરાઇઝેશન તથા રીસર્વેની કામગીરીમાં બીજા અન્ય રાજ્યો કરતાં ઘણુ બધુ આગળ પડતું છે. આજે ભારતના બીજા સમૃદ્ધ રાજ્યો જેવા કે કર્ણાટક, હરિયાણા જેવા રાજ્યો આપણી LRC સીસ્ટમનું પરીક્ષણ કરવામાં માટે આવે છે.  અને હજુ તો ઘણુ બધુ કમ્પ્યુરાઇઝેશન થવાનું છે, ઘણી બધી સફળતા હાંસલ કરવાની બાકી છે…