Archive for the ‘My Thought’ Category

લોહિત ગુજરાતી યુનિકોડ ફોન્ટ | Lohit Gujarati Unicode Font

આજે થોડુ મારા ફિલ્ડ, ગમતા વિષયની થોડી વાતો…

ઇન્ટરનેટની દુનિયામાં જો સૌ પ્રથમ જો કોઇ મુશ્કેલી હોય, તો તે ફોન્ટની હતી. જોકે મારે હવે ફોન્ટ શું છે એ કહેવાની જરૂર નથી લાગતી. કારણ કે અત્યારે તમે જ્યારે આ બ્લોગ વાંચી રહ્યા છુઓ, ત્યારે એટલું તો ચોક્કસ કહી શકુ કે ઇન્ટરનેટમાં તમે માહેર છો, ફોન્ટ વિષે જાણો છો…

ફોન્ટ ઇસ્યુ એટલા માટે હતો કે પહેલા નોન-યુનિકોડ ફોન્ટ્સ વપરાતા. જે વાપરવા બહુ સહેલા હતા. પરંતુ ઇન્ટરનેટનો વ્યાપ વધતાં આવા ફોન્ટ બિનજરૂરી સાબીત થયા. કારણ કે તે ફોન્ટ આમ જૂઓ તો બધાને રમાડતા હોય તેમ જ લાગે !! જેમ કે ફોન્ટ LMG Arun અહીં તમે ‘A’ લખો ત્યારે તમને ‘બ’ દેખાય. હું મારા શબ્દને બેવડાવું છું…’દેખાય’ નહીં કે ‘લખાય’… એ માત્ર દેખવા પુરતો જ ગુજરાતીનો ‘બ’ છે, વાસ્તવમાં તો ‘A’ જ છે. આથી જ્યારે તે પોતાનું સ્થાન બીજે ક્યાંય છોડે અથવા તો બીજે ક્યાંય લઇ જવામાં આવે ત્યારે પોતે પોતાના મુળ સ્વરૂપમાં જ આવી જશે…! મને ખ્યાલ છે જ્યારે મેં મારો શરૂઆતનો બ્લોગ લખ્યો ત્યારે આજ મેથડથી લખેલો. અને મારા PCમાં તો બરાબર જ દેખાય કારણ કે તે LMG ફોન્ટ મારા કમ્પ્યુટરમાં તો ઇન્ટોલ હતા જ. પરંતુ મારા એમ મિત્રએ મને કહ્યું કે કઇ ભાષામાં તે લખ્યું છે? ત્યારે ખ્યાલ આવ્યો કે આતો મારા એકના જ કમ્પ્યુટરમાં બરાબર દેખાય છે. ત્યારે નક્કી કર્યું કે હવે આનો વિકલ્પ કઇ હોવો જ જોઇએ. અને ત્યારે હું પરિચયમાં આવ્યો યુનિકોડ શબ્દ થી. ત્યાર પછી તો મેં યુનિકોડમાં જ ટાઇપ કરતો અને બ્લોગિંગની શરૂઆત થઇ.

ત્યારબાદ યુનિકોડ ફોન્ટમાં પણ ગુજરાતી ભાષામાં ઘણા બધા ફોન્ટ્સ જોયા. ઘણાયે તો હજૂ સુધી ડીફોલ્ટ ફોન્ટ Shruti સિવાય બીજા કોઇ ફોન્ટ જોયા પણ નહીં હોય. બીજા ફોન્ટમાં સીધુ નામ આવે Arial Unicode MS. આ ફોન્ટ મને ગમ્યાં. પણ જ્યારે એનો ઉપયોગ કરવા લાગ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે તે તો ‘દ્વારકા’ શબ્દને ‘દ ્ વારકા’ જેમ બતાવે છે. આ તો ન પોસાય. પછી બીજા ફોન્ટની સર્ચમાં હતો. બીજા ઘણા બધા મળ્યા. લેઆઉટ્સ પણ સરસ. પણ મુશ્કેલી એક જ હતી. આ બધા ફોન્ટ્સ Open Type – Open Source નહોતા. બધા કોઇની માલિકીના હતા. મારે એક એવા ફોન્ટ્સની જરૂરીયાત હતી કે જે કોઇ પણ પ્રકારની કોઇરાઇટ વિના હોય અને ઓપન સોર્સ હોય. જેથી કરીને હું પણ તેમાં ભાગ લઇ શકું. આમ કરતાં કરતાં એક ફોન્ટ ધ્યાનમાં આવ્યા – “Lohit Gujarati”. હા, લોહિત ગુજરાતી. આ ફોન્ટ મુળ તો Fedore માં વપરાય છે. આમ છતાં Open Source હોવાના કારણે તે TTF, OTF, WebFont તરીકે ઉપલબ્ધની લીધે બહુ પ્રચલિત થઇ રહ્યા છે. મેં આ ફોન્ટનો યુઝ કરવાનું નક્કી કર્યું. શરૂઆત કચેરીના કાગળોથી કરી. નક્કી કર્યું કે હવેથી મારી શાખાના દરેક કાગળો માત્ર લોહિત ગુજરાતી ફોન્ટમાંથી જ લખાશે. અને થયું પણ ખરુ. ધીરે ધીરે આ ફોન્ટ બીજા બધાને પણ પસંદ આવવા લાગ્યા, અને હવે મારી કચેરીના દરેક કાગળ Lohit Guajratiમાં જ લખાય છે. પહેલાં તો મેં એવું નક્કી કરાવ્યું કે Font કરતાં Unicode મહત્વનું છે. કારણ કે જો આપણો ડેટા યુનિકોડમાં હશે તો, તે ભવિષ્યમાં બહુ જ ઉપયોગી થશે. આ ફોન્ટ વાપરતાં એક ખામી જણાયઇ. મેં જોયું કે Lohit Gujaratiમાં ‘ધ’ અને ‘ઘ’ બન્ને સરખા જ દેખાય છે. જો કે જે લોકો પહેલેથી LMG વિગેરે વાપરતાં એને કશો ફેર ન પડતો કેમકે એ લોકોને ધ-ઘ, પ-૫ (પાંચ), ર-૨ (બે) બધુ સરખુ જ લાગતું. પરંતુ મને એ ગમ્યું નહીં. અને એમ થયું હું ફોન્ટ વાપરુ છુ, તો અને ઓપન સોર્સ છે, પોતે કમે મોડીફાઇ ન કરી શકું. ઇન્ટરનેટ પર સર્ફીંગ કર્યું. અને FontForgeની મદદથી ધ, અને ઘ ને અલગ કર્યા. બન્નેનો લે-આઉટ બદલાવ્યો. અને ત્યારબાદ મારી કચેરીના બધા કમ્પ્યુટરમાં એ ફોન્ટ અપડેટ કરી દીધા. પણ આ તો મારા પુરતો જ સુધારો હતો. એમ થયું કે બીજા બધા Lohit Gujarati વાપરતાં હશે તેનુ શું? મેં Lohit Gujarati ફોન્ટના ડેવલપર પ્રવિણભાઇ સાતપુતેનો સંપર્ક કર્યો અને BugZillaમાં આ અંગેની Bug દાખલ કરી. થોડાક દિવસો પછી મને ઇ-મેઇલ આવ્યો, જેમાં પ્રવિણભાઇ કહ્યું કે આ બગ સોલ્વ કરવમાં આવી છે. ત્યારબાદ મેં ઘણી વખત બીજી કેટલીક બગ નોંધાવી અને સોલ્વ થઇ.

હવે મુદ્દાની વાત. આ બ્લોગ લખવાનું મુળ કારણ… Lohit Gujarati ફોન્ટ હું એક જ વાપરું છું તેવું નથી. Fedore systemમાં તો તે આવે જ છે. હવેના Android ફોનમાં પણ default ગુજરાતી ફોન્ટ તરીકે Lohit Gujarati પ્રી-ઇન્ટોલ્ડ આવે છે. અને મને વધારે ખુશ ત્યારે થઇ, જ્યારે મહેસૂલ વિભાગમાંથી કેટલાક પત્રો, પરિપત્રોમાં Lohit Gujarati ફોન્ટમાં આવ્યા. આ વાત મને બહુ ગમી. કારણ કે લોહિત ગુજરાતી ફોન્ટનો વ્યાપ ધીરે ધીરે વધી રહ્યો છે. આ કોઇ માર્કેટીંગ નથી. પરંતુ જ્યારે આ બાબત મેં ફોન્ટના ડેવલપર પ્રવિણભાઇને કહી ત્યારે તે બહું રાજી થયા. અને કેમ ન થાય, પોતે ડેવલપ કરેલા ફોન્ટ ગુજરાત સરકારની કચેરીઓ, મહત્વનું ખાતું – મહેસૂલ વિભાગમાં જ્યારે વપરાતાં હોય તે તેના માટે ગર્વની વાત છે. મને પણ, કારણ કે હું આ લોહિત ગુજરાતી ફોન્ટમાં મહત્વના ફેરફાર લાવ્યો છું.

Project Lohit Gujarati:

અવિસ્મરણીય તાલીમ @ શશીકુંજ, જૂનાગઢ

ઓહ! આ 75 દિવસ (અઢી મહિના)નો સમય ક્યારે પસાર થઇ ગયો, ખ્યાલ જ ન આવ્યો. મને તો હજુ એમ જ લાગે છે, કે હું હમણા જ મારા ઘરે આવ્યો છું, અને પરમ દિવસથી જ શશીકુંજમાં તાલીમ લેવા જઇ રહ્યો છું. થોડીકવાર તો એમ જ લાગે કે ભાણવડ જવું જ નથી… બસ, અહીં જ રોકાઇ જાઉ… મારૂ તો જૂનાગઢ ઘર છે, પરંતુ બીજા મારા સહ-કર્મચારી-તાલીમાર્થી મિત્રો કે જેનું ઘર/વતન જૂનાગઢ નથી, તેને પણ અહીં ફાવી ગયુ હતું. માનો કે તે લોકોએ પણ શશીકુંજ ને પોતાનું ઘર માની લીધુ… જોત જોતામાં ક્યારે 75 દિવસનો સમય પુરો થઇ ગયો અને તાલીમ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર અત્યારે હાથમાં છે, ત્યારે થોડું અઘરુ લાગે છે…

This slideshow requires JavaScript.

આ તલીમ માત્ર વહીવટી તલીમ જ ન રહી, બલ્કે જીવનના ઘણા બધા પાસાઓ શીખવી ગઇ. કારણ કે હું તો ક્યારેય હોસ્ટેલમાં રહેલો જ નહીં. એક હોસ્ટેલ લાઇફનો પણ અનુભવ થયેલો. જોકે હું તો તાલીમ પુરી કરી, સાંજે ઘરે આવી જતો, આમ છતાં, આખો દિવસ એક હોસ્ટેલ તથા સ્કુલ/કોલેજમાં હોય તેવું વાતાવરણ લાગતું. તાલીમનો પહેલો દિવસ – 18/03/2013… માત્ર ત્રણ જ જણ નજરે પડે અને એ પણ જામનગર જીલ્લાના. તેમાં અમારા તાલીમાર્થીઓમાં મોસ્ટ સિન્સીયર તથા સિનિયર ગણાતા ખંભાળીયાના ગોવિંદભાઇ ચાવડા તથા કલેક્ટરના ઉપનામથી પ્રખ્યાત થયેલ જોડીયાના દેવાંગભાઇ ત્રિવેદી. હું ત્યાં ગયો. મેં હોસ્ટેલ જોઇ. હોસ્ટેલની વ્યવસ્થા બીજા તાલીમ કેન્દ્રો કરતા સારી હતી, એટલે મેં તુરત ગોવિંદભાઇને કહ્યું: હોસ્ટેલ સારી છે. તેણે માથું હલાવતા, તે વાતનો સ્વિકાર કર્યો અને આપણા માટે તો બધુ સારુ જ છે, એવું કહ્યું. ગોવિંદભાઇ પહેલેથી પોઝીટીવ વિચારધારા વાળા તો ખરા જ. અમે બધા હજુ ક્યારેક મજાકમાં મેનેજમેન્ટનો દોષ કાઢતા, પણ ગોવિંદભાઇ હંમેશા આવું તો હોય જ એમ કહેતા રહેતા. તાલીમના પહેલા દિવસે તો માત્ર બધાએ હાજર રીપોર્ટ આપ્યા અને છુટા પડ્યા. હું અહીં યજમાન કહેવાઉ એટલે, ગોવિંદભાઇ તથા દેવાંગાભાઇ અને બીજા એક બે જણને BAPSની અક્ષરવાડીમાં લઇ ગયો. ત્યાં થોડીવાર બેસ્યા, અને પછી બહાર નીકળી ગોલા તથા બદામ શેકનો આનંદ લીધો. બીજા દિવસે તાલીમની શરૂઆત થઇ. ક્લાસમાં ગયા. ક્લાસ જોયો તો A/C. એટલે બધાને હળવાશ થઇ, કે ચાલો આપણો ઉનાળો સુધરી ગયો… તાલીમ કેન્દ્રના વહીવટી સ્ટાફે અમોને આવકાર્યા તથા બધાનો પરીચય કરાવ્યો. નિયામકશ્રી વાઢેર સાહેબ, આચાર્યશ્રી મારૂ સાહેબ, નાયબ મામલતદાર વાઢેર સાહેબ, તથા ક્લાર્ક ગીરીભાઇ, જાગૃતિબેહન તથા અક્ષયભાઇ. મોટે ભાગે બધુ મેનેજમેન્ટ ગીરીભાઇ જ કરે. પહેલા જ દિવસે અમારા કેટલાક તાલીમાર્થીઓએ મેનેજમેન્ટ સમક્ષ હોસ્ટેલમાં મચ્છર વધુ છે.. વિગેરે જેવા પ્રશ્નો મુક્યા, જેમાંથી અમારો આ મહેસૂલી તલાટીઓનો તાલીમ વર્ગ પ્રખ્યાત બન્યો. જોકે આજે છુટા પડતી વખતે વાઢેર સાહેબ (ના.મા.)એ સ્વીકાર્યું કે તમે બધાએ ભેગા થઇને શશીકુંજમાંથી મચ્છરોને જાકારો આપી દીધો છે. કારણ કે અત્યારે શશીકુંજમાં એક પણ મચ્છર નથી રહ્યું…

તાલીમ દરમિયાન ઘણા બધા લેક્ચરરો આવતા, પણ બધા વ્યાખ્યાતામાં કંઇક ને કઇક વિશેષ જ્ઞાન હતું. બધાને માફક આવ્યા હોય તેવા વ્યાખ્યાતાઓ ખાચર સાહેબ, ત્રિવેદી સાહેબ અને ભલુ સાહેબ. ત્રિવેદી સાહેબ તો જામનગરમાં પહેલા ચિટ્નિશ ટુ કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા, એટલે તેમને તો બધા જામનગરવાળા ઓળખતા જ હતા. ત્રિવેદી સાહેબને પણ જાણી આનંદ થયો કે અમે જામનગર વાળા તેની પાસે તાલીમ લેવા આવ્યા, અને આમ પણ તેઓએ સ્વીકાર્યું કે મને રેવન્યૂ વાળા પ્રત્યે વિશેષ પ્રેમ છે. અમે બધા તો મહેસૂલી તાલટી તરીકે હાજર જ ત્રિવેદી સાહેબ પાસે થયા હતા. ત્રિવેદી સાહેબ અમારો મહેસૂલી કાયદો લેતા. તેઓનું મહેસૂલી કાયદો એટલો પરફેક્ટ કે તેમને મોટાભાગની બધી કલમો મોઢે. મને તો આશ્ચર્ય થતું કે આટલો મોટો કાયદો, આટલા નિયમો ત્રિવેદી સાહેબને કેમ કરીને યાદ રહે છે. ઠીક છે આપણને યાદ હોય, પણ આપણે પરફેક્ટ એમ મોઢે ન કહી શકીયે, કદાચ ભુલ પણ પડે, પરંતુ ત્રિવેદી સાહેબતો કહે કે કલમ-65 એટલે કલમ-65 જ હોય, તેની કલમ-65ની 65 (2) પણ ન થાય. એવી જ રીતે વી.જી. ભલુ, કે જેઓ નિવૃત TDO હતા. તેણે પણ છેલ્લે દ્વારકા TDO તરીકે ફરજ બજાવેલ. ભલુ સાહેબે TDO તરીકે પંચાયત વિભાગમાં ફરજ બજાવી પણ તેમનું રેવન્યૂ બહુ જ સારૂ. તમણે જે 1 થી 18 ગામ નમૂનાની અમને સમજ આપી છે, તેટલી કદાચ બીજું કોઇ ન પણ આપી શકત. અને પુરેપુરા પ્રેક્ટીલ માઇન્ડના. વહીવટના નિયમો શું કહે છે, તથા હકીકત શું છે, તેનું સ્પષ્ટ વર્ણન કરે. ક્યારેક તેઓ તેમના ફરજ દરમિયાનના અનુભવો પણ કહેતા. ખાચર સાહેબ અહીંની સુભાષ એકેડમીમાં ઇતિહાસના પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તે જૂનાગઢના ઇતિહાસવિદ છે. આની પહેલા મેં પ્રદ્યુમ્નસિંહ ખાચર એવુ નામ સાંભળેલું, પણ કદી રૂબરૂ મુલાકત નહોતી થયેલી. ઇતિહાસના એ માસ્ટર. અમને ઘણી બધી ઇતિહાસની વાતો કરી. કેટલી જાણીતી તો કેટલી કદી નહીં સાંભળેલી. જૂનાગઢના નાવબની વાતો બહુ જ ગમી. હું જૂનાગઢનો હોવા છતાં, જૂનાગઢના કેટલાક તથ્યો મને પણ ખ્યાલ નહોતા. ખાચર સાહેબે તેમાં પ્રકાશ પાડ્યો. તેમની એક વાત બહુ જ યાદ રહી જાય તેવી છે: “ઇતિહાસ હંમેશા વિજેતાઓના જ હાથે લખાય છે…” જૂનાગઢના નવાબને સંબોધીને કરેલી આ વાત તદ્દન સાચી છે. તેણે એ પણ જણાવ્યું કે ઇતિહાસમાં ખોટી રીતે જૂનાગઢ નવાબને ખરાબ બતાવવામાં આવેલ છે. હકીકતમાં જૂનાગઢ નવાબ પ્રજા વત્સલ હતા. પરંતુ કેટલાક સંજોગો વસાત તેમણે ન ગમતા પગલા ભરવા પડ્યા હતા. જૂનાગઢ નવાબ હિંદુ પ્રેમી પણ હતા, તેના કેટલાક દાખલા આપ્યા. રોજ સવારે ઉઠીને કાળી ગાયના દર્શન કરવા, જૂનાગઢ રાજ્યના ચિહ્નમાં સૂર્ય, ચંદ્રની આકૃતિ, તથા ગિરનાર ઉપર મસ્જીદ ન જ હોય જેવા નિર્ણય જૂનાગઢ નવાબે જ આપેલ. તિર્થાણી સાહેબ મદદનિશ તિજોરી અધિકારી છે. તે GCSR (Gujarat Civil Service Rules) લેતા. તેઓએ કર્મચારીને કેવું વર્તન કરવું, રજા, પગાર વિગેરેને કેટલીક બાબતોનો ઉંડાણ પૂર્વક અભ્યાસ કરાવ્યો. અર્પિતા મેડમ સાયકોલોજીસ્ટ છે. તેણે ટ્રેશ મેનેજમેન્ટ, યોગ, ઇમોશન મેનેજમેન્ટ વિગેરે જેવા વિષયો પર લેક્ચર આપ્યા. પરસાણા સાહેબ કે જેઓ નિવૃત Dy.DDO હતા, તેઓએ પંચાયતનું માળખું સમજાવ્યું. પરસાણા સાહેબ એક સારા એવા સાહિત્ય કલાકાર પણ છે. તેમના કંઠે દુહા, છંદ વિગેરેનો પણ લાભ લીધેલ. ગઢીયા સાહેબ આ તાલીમ કેન્દ્રના ભુતપૂર્વ આચાર્ય રહી ચુકેલ. તેણે વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી. સંઘવી સાહેબ જેણે પંચાયત અધિનિયમ વિશે ભણાવ્યું. આ ઉપરાંત સોલંકી સાહેબ, ઇજનેર (ઇ-ગ્રામ), જેણે ઇ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ વિશે બજુ જ રસપ્રદ માહિતી આપી. આમ પણ ટેક્નોલોજીનો વિષય હોય, એટલે મને તો મજા આવેજ પણ, દરેકને સોલંકી સાહેબના લેક્ચરમાં મજા આવી. ઇ-ગ્રામની શરૂઆત થી લઇને અત્યાર સુધીની માહિતી આપી. અને છેલ્લે આવેલ તમીમ સાહેબે જમીનની માપણીની વિગત આપી તથા કઇ રીતે માપણી થાય, તેનું પ્રક્ટીકલ કરીને પણ બતાવ્યું. શશીકુંજનું એક મેદાન માપ્યું.

આ ઉપરાંત અમે કરેલ પ્રવાસ એ અવિસ્મરણીય રહ્યો. ત્રણ દિવસનો કરેલ પ્રવાસ હજુ પણ ભુલાય તેમ નથી. શરૂઆતમાં તો મારે પ્રવાસમાં નહોતું જાવું, પરંતુ બધાના આગ્રહથી નક્કી થયું, અને જો ન ગયો હોત તો હું એક આનંદદાયક સફર ચુકી જાત… પ્રવાસ દરમિયાન તડકો બધાને બહુ જ લાગેલો. બધાયે કનૈયાનું રૂપ ધારણ કરી લીધુ હતું. જાણે સૂર્ય દેવનું તેજ બધાના મુખ મંડળ પર કાળો રંગ ધારણ  કરીને સમાઇ ગયું હોય, તેવું લાગતું હતું… મહેસાણાના વોટર્સ વર્લ્ડ રીસોર્ટમાં બધાએ ખુબ આનંદ માણ્યો. વિવિધ પ્રકારની રાઇડની સવારી કરી. પ્રવાસ દરમિયાન બધા ખીલી ગયા હતા. કોઇને પણ એમ નહોતું લાગતું કે પોતે સરકારી કર્મચારીઓ છે… GCSR ના નિયમો તો ક્યાંક પડ્યા રહ્યા…

તાલીમ દરમિયાન સૌથી વધુ લખાવવામાં ત્રિવેદી સાહેબ તથા ભલુ સાહેબ. સૌથી વધુ લખાણ તે બે સાહેબોનું હતું. અને આમ પણ બે મુખ્ય વિષય તેઓ જ લેતા. બાકી બીજા બધામાં લખવાનું બહું ઓછું આવતું. તાલીમ દરમિયાન ક્યારેક કોઇક પોતાની પ્રતિભા પણ રજૂ કરતાં. તેમાં સૌથી મોખરે હતા વિજયભાઇ રામાવત ઉર્ફે “રામબાપુ” તથા કવિ “દાસ”. તેઓ મોજમાં આવી ક્યારેક ભજન લલકારતા તો ક્યારેક દુહાની રમઝટ. એક વખત તો એવું બન્યું કે પરસાણા સાહેબે એક દુહો ગાયો, તો વળી તેની સામે બાપુએ પણ એક દુહો રજૂ કર્યો. જાણ કે ગુજરાતી સાહિત્યની મહેફીલ ભરાઇ હોય… ગોવિંદભાઇએ એક વખત રી-સર્વે/માપણીનો લેક્ચર લીધેલ. તેણે જમીનની માપણી નવા ડીજીટલ મશીનથી કઇ રીતે થાય તે જણાવ્યું. ઉપરાંત એક વખત હું ત્યાં મારૂ લેપટોપ લઇ ગયેલ. અને મેં ગોવિંદભાઇને જાણ કરી કે મેં ઇ-ધરા વિશે એક પ્રઝેન્ટેશન બનાવ્યું છે, અને આપણે હોસ્ટેલમાં તે જોઇશું. આ વાત તેણે ભલુ સાહેબના લેક્ચરમાં કહી, અને બીજા ત્રણ ચાર જણાનો  સપોર્ટ મેળવી મને તે પ્રઝેન્ટેશન ક્લાસમાં આપવા ફરજ પાડી. હું હિંમત કરીને ઉભો થયો. મારૂ લેપટોપ LCD સાથે કનેક્ટ કર્યું અને પાવર પોઇન્ટમાં મારા દ્વારા બનાવાયેલી “ઇ-ધરા એક સફળ પહેલ” શરૂ કરી. બીજા કોઇનું ધ્યાન તો ન પડ્યું પણ હર્ષાબા ઉતાવડા થઇ બોલ્યા, નિલશે ડી. બંધીયા. નિલશેભાઇ… પછી શાહ ભાઇ બોલ્યા કે નિલેશને બદલે નિલશે લખાઇ ગયું છે. મારાથી ઉતાવડમાં ટાઇપ  કરતી વખતે નિલેશને બદલે નિલશે લખાઇ ગયેલ. મને થયું કે લો, મેં શરૂઆતમાં જ ભગો કર્યો. પણ પછી મેં શરૂઆત કરી. એક પછી એક સ્લાઇડ બદાલવતો ગયો ને તેની માહિતી આપતો ગયો. મારા એક વાક્ય ઉપર કેટલાક સહમત નહોતા… કે ઇ-ધરા આવવાથી ભ્રષ્ટાચાર ઘટ્યો છે. મેં તે સમજાવવાની કોશીશ કરી હતી. ઉપરાંતી ઇ-ધરાનું ભવિષ્ય કેવું હશે તેની પણ ચર્ચા કરી હતી, અને તેમાં બધાએ બહુ રસ દાખવ્યો હતો. એક અલગ અનુભવ રહ્યો. બધાની સામે પ્રઝેન્ટેશન આપ્યું, બધાને એ પ્રઝેન્ટેશન ગમ્યું પણ ખરૂં.

મારી અગાઉ તાલીમ લઇ આવેલ મારા સહ-કર્મચારીઓ મને વારી ઘડીએ કહેતા, કે બંધીયા તારી તાલીમ આવે એટલે જોજે બહુ જ મજા પડશે. ખરેખર, આ તાલીમ નોકરી તો ઠીક, પરંતુ જિંદગીના એક સુખદ સમય તરીકે ગણાય તેવી રહી. બહુ જ આનંદ આવ્યો, અને બધાએ ખુબ જ મજા કરી. બધાને માત્ર બે જ વાતની ચિંતા છે: એક તો પૂર્વ સેવા તાલીમની પરીક્ષા અને બીજી મહેસૂલી તલાટીના સંવર્ગની. મારે કોર્ટ ક્લાર્ક તરીકે ઓર્ડર આવવાનો છે, પરંતુ આજે જ્યારે હું જૂનાગઢ કોર્ટમાં નિવૃત APP વિક્રમભાઇ ભાદરકાની સાથે ગયો, ત્યારે ત્યાંના એક ક્લાર્કે મને કહ્યું કે તમે જો નોકરી કરો જ છો, તો આમાં ન આવો. કેટલાક કારણો આપ્યા. તો વળી, મારા વિભાગના લોકો એમ કહે કે આમાંથી નિકળી, અને કોર્ટમાં જતા રહો… કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન યાર…!!!

વિકિસ્રોત: પ્રથમ વર્ષગાંઠ

બે દિવસ પહેલા તા.31/03/2013ના રોજ અહીં રૂપાયતન ખાતે અમે બધા વિકિપીડીયન્સ ભેગા થઇ, વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી. કેટલાક મહિના પહેલા ઇમેલ આવ્યો કે આપણા વિકિસ્રોતને આગામી 27મી માર્ચે એક વર્ષ પૂર્ણ થાય છે, અને તેના સંદર્ભે આપણે સૌએ તેનો એક કાર્યક્રમ રાખવો જોઇએ. મને એ દિવસો યાદ આવી ગયો, કે જ્યારે અમે લોકો ગુજરાતી વિકિસ્રોત માટે નવા ડોમેઇનની અરજી કરેલ તથા 27મી માર્ચે તે ડોમેઇન એક્ટીવ કરવામાં આવેલ. ત્યારબાદ ધીરે ધીરે વિકિસ્રોત પર બધા કામ કરવા લાગ્યા. શરૂઆત ગાંધીજીના પુસ્તક “રચનાત્મક કાર્યક્રમ”થી કરી. આ પુસ્તકના સ્કેન કરેલા પાનાઓ બધા સક્રીય સભ્યોને ઇમેઇલ પર મોકલવામાં આવ્યા અને બધાએ પોતપોતાના ભાગમાં આવેલ પાનાઓને યુનિકોડ ફોન્ટમાં ટાઇપ કરી, તેને વિકિસ્રોતમાં અપલોડ કર્યાં. એ રીતે ધીરે ધીરે બીજા ઘણા બધા પુસ્તકો પર કાર્ય કર્યું, અને આખા પુસ્તકો વિકિસ્રોત પર ચડાવવામાં આવ્યા. હાલ ગુજરાતી વિકિસ્રોત પર 2407 જેટલી કૃતિઓ અપલોડ થઇ ચુકી છે.

તા.31/03/2013ના રોજ બધા સવારના નવ વાગ્યાની આસપાસ આવવા લાગ્યા હતા. સવારના વહેલા ઉઠી, અને હું કાર્યક્રમની તૈયારી કરવા લાગ્યો, આખરે આખા કાર્યક્રમનો યજમાન તો હું જ હતો ને ! સભાખંડમાં બધુ ગોઠવ્યું તથા પ્રોજેક્ટર ચેક કરી લીધું. થોડીવાર થઇ ત્યાં વ્યોમભાઇ આવી ગયા. ત્યારબાદ અશોકભાઇ પણ આવ્યા. ધીરે ધીરે બધા આવવા લાગ્યા. ધવલભાઇ તથા શુશાંતભાઇ આવ્યા બાદ અમે ધવલભાઇનું લેપટોપ પ્રોજેક્ટર સાથે કનેક્ટ કર્યું. પછી મોબાઇલને લેપટોપ સાથે રીમોટ્લી કનેક્ટ કરવા અમે લોકો ઘણા મથ્યા પણ, તેમાં સફળતા મળી નહીં. ટેક્નોલોજીનો પુરેપુરો ઉપયોગ થાય, અને સ્લાઇડ બદલવા માટે કોઇએ લેપટોપ પાસે બેસવું ન પડે, એટલે મારો એવો આગ્રહ હતો કે આપણે લેપટોપને મોબાઇલ સાથે કનેક્ટ કરી લઇએ. પરંતુ તેમાં નિષ્ફળ જતાં, વ્યોમભાઇને લેપટોપનું સંચાલન કરવા બેસવું પડ્યું. બધાને બસેડ્યા, અને કાર્યક્રમની શરૂઆત કરી. રાવલસાહેબે (વાયરલેસ પી.આઇ. તથા પ્રમુખ, જાયન્ટ્સ ગૃપ) આગલી સાંજે પ્રાથર્ના તેઓ પોતે બોલશે તેમ જણાવેલ, એટલે મેં તેમના માટે હાર્મોનિયમ (પેટી) તૈયાર જ રાખી હતી. તેઓએ પ્રાર્થના ગાઇ સંભળાવી. તેઓ ગાવા (સાહિત્ય)ના શોખીન છે. બધાને ભક્તિમય કરી દીધા. અમે સંચાલન વ્યોમભાઇને સોંપેલ. વ્યોમભાઇએ કાર્યક્રમ આગળ ધપાવતા, બધાનું સ્વાગત કર્યું. ત્યારબાદ વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ હોય, તેની કેક કાપી અને બધાને ખવડાવી. ત્યારબાદ રાવલસાહેબે તેમનું પ્રવચન આપ્યું. અને તેના પછી રૂપાયતનના મેનેજીંગ ટ્રસ્ટી, હેમંતભાઇએ પ્રવચન આપ્યું. તેઓએ અમારા આ કાર્યક્રમને આવકારતા કહ્યું કે રૂપાયતન આવા (સાહિત્યના) કાર્યક્રમને હંમેશા આવકારે છે, અને તેમાં રૂપાયતનનો તન, મન, અને ધનથી સહયોગ રહેશે. તેમણે અમારા જેવા યુવાનોને આવી નવી પ્રવૃતિ કરવા પ્રોત્સાહન આપ્યું. તેઓએ કહ્યું કે અમે તો પાનખર છીએ, પરંતુ આ નવી પેઢી વસંત છે. તે સાહિત્ય માટે કામ કરે છે, અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સાહિત્યની સેવા કરે છે, એ જાણી ખુબ જ આનંદ થાય છે.

This slideshow requires JavaScript.

ત્યારબાદ ધવલભાઇએ તેમનું વિકિસ્રોતના ઇતિહાસ અંગેનું પ્રેઝેન્ટેશન આપ્યુ. જેમાં વિકિસ્રોત જ્યારે અંગ્રેજી વિકિસોર્સમાં હતું, ત્યારથી લઇને તેનું ગુજરાતી ડોમેઇન અસ્તિત્વામાં આવ્યું ત્યારસુધીનો ચિતાર આપતું પ્રેઝેન્ટેશન આપ્યું. ત્યારબાદ શુશાંતભાઇએ વિકિસ્રોત શું છે? તેને કઇ રીતે વાપરવું, તથા સક્રિય સભ્યોનો પરિચય આપતું પ્રેઝેન્ટેશન આપ્યું. ત્યારબાદ લંડન સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીના એક સભ્યનો વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તેનો સંદેશ વિડિયો બતાવવામાં આવ્યો. ત્યારબાદ વિકિસ્રોતના સભ્યોને સર્ટીફીકેટ તથા ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું.

એક નવીન વાત: તે દિવસે અમારા બધાથી અલગ પડે તેવા વિકિસ્રોતના એક સભ્ય; જેને તમે જોતા જ અચરજ થાય કે આ વિકિ સભ્ય હોઇ શક? સફેદ દાઢી, માથે ટોપી, તથા ભગવો વેશ… પહેલી નજરે તો એમ જ લાગ્યું કે આ તો કોઇ સાધુ મહાત્મા ભુલથી અહીં ચડી આવ્યા હશે. પરુંત પુછતાછ કરતાં ખ્યાલ આવે છે કે સાધુ – સ્વામી રાજેશ્વરગીરી છે. જેઓ વિકિના સભ્ય પણ છે. તેઓ વિકિસ્રોતને વાંચે છે, તેનો ઉપયોગ કરે છે, તથા ક્યારેક તેમનું યોગદાન પણ આપે છે. બપોરે જમતી વખતે મેં એ સ્વામીનું ઇન્ટરવ્યૂ લીધુ… તેઓ મોટી પાનેલી ગામે ખોડીયાર આશ્રમમાં રહે છે. તેઓ પોતે મોબાઇલ દ્વારા ઇન્ટરનેટ વાપરે છે. અને મોબાઇલથી જ ફેસબુક, ટ્વીટ્ટર, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, તથા વિકિપીડિયા અને વિકિસ્રોત જેવી વેબસાઇટ સર્ફ કરે છે. મેં તેઓને લેપટોપ લેવા સુચન કર્યું, ત્યારે તેઓએ જવાબ આપ્યો કે અત્યારે મારી પાસે મોબાઇલ છે તે પણ કેટલાકને પસંદ નથી. તેઓ એમ કહે છે કે તમારે (બાવાને) વળી મોબાઇલની શી જરૂર? પણ એક વાત ખરી, કે તેનું યોગદાન નોંધનીય છે.

કાર્યક્રમ પુરો કરી, જમ્યા બાદ બધા થોડીવાર ગુલમહોર નીચે બેઠા બેઠા ડાયરાની જમાવટ કરી. ત્યારબાદ અમે બધા ભવનાથમાં ગયા અને ઠંડુ પી બધા રવાના થયા.

*તાજા કલમ: હમણાં જ થોડીવાર પહેલા હું સિંહો જોઇને આવ્યો છું. એક નહીં, બે નહીં, પુરા 5 સિંહોને શિકાર કરતાં જોયાનો આનંદ હજૂ વિસરાતો નથી. એમ જ થતું હતું કે હજૂ જોતા જ રહીએ.