Archive for the ‘બાલ ભવન’ Category

Click @ NBB – Delhi

This slideshow requires JavaScript.

Click…

Shutter Speed…

Aperture…

ISO…

આ બધા શબ્દો નથી સાહિત્યના, કમ્પ્યુટરના, કે પછી રેવન્યુના, આ શબ્દો છે ફોટોગ્રાફી ફિલ્ડના… જી, હા એક નવા ફિલ્ડ સાથે હું જોડાયો છે: ફોટોગ્રાફી… હમણાં બે દિવસ પહેલાં રાષ્ટ્રીય બાલ ભવન – નવી દિલ્હી દ્વારા આયોજીય ડીજીટલ ફોટોગ્રાફીના એક વર્કશોપમાં મેં હાજરી આપી હતી. નેશનલ બાલ ભવન – નવી દિલ્હી દર વર્ષે કોઇક ને કોઇક નવા વિચાર, નવી ટક્નોલોજી સાથે વર્કશોપ તથા તાલીમોનું આયોજન કરતું રહે છે. આ વખતે નેશનલ બાલ ભવન દ્વારા તા.11/09/2012 થી 15/09/2012 દરમિયાન ડીજીટલ ફોટોગ્રાફી માટેનો વર્કશોપ રાખ્યો હતો. જેમાં રૂપાયતન બાલ ભવન – જૂનાગઢના પ્રતિનિધિ તરીકે મને જવાનો મોકો મળ્યો. અને આના માટે હું અમારા રૂપાયતન બાલ ભવનના ડિરેક્ટર શ્રી હેમંતભાઇ નાણાવટી, મારા પિતાશ્રી ધરણાંતભાઇ બંધીયા, તથા અમારા તાત્કાલીન મામલતદારશ્રી વી.ઝેડ.ચૌહાણનો આભાર વ્યક્ત કરૂ છુ.

દસ તારીખે હું ત્યાં બાલ ભવનના પરિસર ખાતે પહોંચી ગયો. ત્યાં જઇ રજીસ્ટરમાં એન્ટ્રી કરી, અને સીધુ જ ગુજરાતી મગજે જોઇ લીધું કે ગુજરાતની એકેય એન્ટ્રી નથી. મારી પહેલી એન્ટ્રી હતી કે જેનું રાજ્ય ગુજરાત હોય. હું ઉપર હોસ્ટેલમાં ગયો. થોડીવાર પછી હું બધુ ગોઠવતો હતો, ત્યાં શબ્દો સંભળાયા: “ઉંધી ચાદર છે, સીધી પાથરો…” મારી ખુશીનો પાર ન રહ્યો. અહીં બીજા ગુજરાતી પણ આવી ગયા… ખરેખર આ ગુજરાતીપણું ક્યારે દુર થશે ? પછી તો ધીરેધીરે અમે લોકો 7 ગુજરાતી થઇ ગયા. ટોટલ અમે લોકો 28 જણ હતા. બધા અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા હતા. બે વ્યક્તિતો છેક મિઝોરમ તથા મણિપુરથી આવ્યા હતા. પહેલાં દિવસે તો અમે લાલ કિલ્લો જોવા નિકળી ગયા. દિલ્હીની સીટીબસ – એસી વાળી – નો લાભ લીધો… With Full Traffic… ઉભવાની જગ્યા પણ માંડ માંડ મળી શકતી હતી. કોઇક ટીકીટ ન લે તો પણ કંડક્ટર (માસ્તર)ને ખ્યાલ ન આવે તેવી ભીડ. (આવો વિચાર ગુજરાતીને જ આવે !) પણ મારા આ વિચારનું પણ ખંડન થઇ ગયું. અમે જેવા બસ સ્ટોપે નીચે ઉતર્યા કે તુરત જ DTCના કર્મચારી ત્યાં ઉભા હોય, અને ટીકીટ તપાસે. જેની પાસે ન હોય, તેને ₹ 200/- નો દંડ. અમારી પાસે તો હતી જ ! લાલ કિલ્લા પાસે પહોંચ્યાં. અંદર ગયા, પણ ક્યાંય પ્રવેશ દ્વાર દેખાય નહી. અમે લોકો પાર્કિંગમાંથી અંદર ઘુસી ગયા. ફોટોગ્રાફી કરવા લાગ્યા. એના માટેતો ત્યાં ગયા હતા… પરંતુ શોધખોળ કરતાં ખબર પડી કે અહીં દિલ્હીમાં સોમવારે બધા જાહેર સ્થળોએ રજા હોય છે. અમે નિરાશ થઇ, બાલ ભવન પરત ફર્યા. સાંજે જમ્યાં. વળી પાછું, ગુજરાતપણું… જમવાનું ફાવે નહી. અને છાશ વિનાતો ગળે ઉતરે જ નહીં. આજુ બાજુ ક્યાંય છાશ કે દહીં પણ મળે નહીં. પરંતુ મનને સમજાવી લીધું કે આવા ધોખા ન કરાય, આપણે ક્યાં અહીં કાયમી રહેવું છે? માત્ર 5 દિવસનો જ તો સવાલ છે…

સવારે દસ વાગ્યે ફોટોગ્રાફીનું શેશન શરૂ થયું. આશિશભાઇ ભટ્ટાચાર્ય તથા રાજેન્દ્રકુમાર વધવા અમારા ફોટોગ્રાફીના ફેકલ્ટી હતા. તેઓએ બન્નેનો પરીચય આપ્યો અને અમારો બધાનો પરીચય લીધો. મારા પરીચયમાં મેં નામ તથા જૂનાગઢ બાલ ભવન, ગુજરાત એવું કહ્યું. એટલે આશીશભાઇએ કહ્યું “उसका नाम क्या है?” મેં જવાબ આપ્યો: “રૂપાયતન”. એણે કહ્યું: जी हा, में वहा आया था, बहुत अछ्छी जहः है. આશિશભાઇ બે થી ત્રણ વર્ષ પહેલાં અહીં ચોમાસામાં આવેલા એવું તેણે જણાવ્યું. અને ફરીથી તેઓ માર્ચ-2013માં ગુજરાતમાં ફોટોગ્રાફી માટે આવશે. મેં તેને રૂપાયતન આવવાનું આમંત્રણ આપ્યું. તેણે ચોક્કસ આવવા જણાવ્યું. આશીશભાઇ બહુ જ સારા એવા ફોટોગ્રાફરની સાથે ઘણુ બધુ ફરેલા છે, અને હિન્દી સિવાયની ત્રણ થી ચાર ભાષાઓ જાણે છે. ગુજરાતી પણ થોડું ઘણું જાણે છે. અમે તેની પાસે ગુજરાતીમાં કખગઘ… લખવ્યા હતો. રાજેન્દ્રકુમાર વધવા ત્યાંના ફોટોગ્રાફી ડીપાર્ટમેન્ટના ઇનચાર્જ છે. તેઓ જન્મજાત ફોટોગ્રાફર છે. તેમની વધવા ફેમેલીમાં જ ફોટોગ્રાફી પહેલેથી જ શોખની વસ્તુ રહી છે. તેમના દાદા, પિતા, તે અને હવે તેમની પુત્રી બધા ફોટોગ્રાફી ફિલ્ડ સાથે સંકંળાયેલા છે. પહેલાં દિવસે તો ફોટોગ્રાફીની હિસ્ટ્રી વિષે કહ્યું. ત્યારબાદ વિવિધ કેમેરાના પ્રકારો વગેરે જણાવવામાં આવ્યા. વચ્ચે એક વાગ્યે લંચ બ્રેક પડે અને ફરીથી બપોર પછીનું શેશને સ્ટાર્ટ થાય. સાડા ચાર થી પાંચ વાગ્યા સુધીમાં બીજુ શેશન પુરૂ થતું. ફોટોગ્રાફીમાં અમે નવા નવા અખતરા પણ કર્યા. અમે ત્રણ જણ – હું, કૃણાલભાઇ તથા નિતિશભાઇએ ભેગા થઇ, રાત્રે ભાલ ભવનના મેદાનમાં કેમેરનામાં કેટલાંક સેટીંગ્સો કરી, મારા મોબાઇલની ટોર્ચ વડે દિલ્હી, જેવા શબ્દો લખ્યાં. કેમેરાનું શટ્ટર ખુલ્લુ રાખી, ટોર્ચથી જે લખો, તે એક ઇમેજના રૂપમાં કન્વર્ટ થઇ જાય…

દિલ્હીમાં મેટ્રોની મુસાફરીનો પણ આનંદ લીધો. મેટ્રો એટલે મેટ્રો… બહુ જ મોટો પ્રોજેક્ટ છે. મેન્ટ્રો સ્ટેશનમાં અંદર જઇ,  ટોકન લેવાનું તથા, તેને મશીનમાં ડ્રેગ કર્યા પછી, જ સ્ટેશનમાં અંદર જવાનો દરવાજો ખુલે. એ ટોકન લઇને જે મેટ્રોમાં જવાનું હોય, તેમાં મેટ્રો આવે એટલે કોઇની પણ રાહ જોયા વિના ચડી જવાનું, નહીંતર રહી જશો. અંદર મેટ્રોમાં તેના ડ્રાઇવર સિવાય બીજા કોઇ મેટ્રો કર્મચારી દેખાય નહીં. માત્ર મુસાફરો. દરવાજા ઉપર મેપ દર્શાવેલો હોય છે. જેમાં હાલનું સ્ટેશન પણ બતાવે, અને તેના પછી ક્યુ આવી રહ્યું છે તે પણ ડિસ્પ્લે થાય.અને સાથે સાથે સુચના પણ સંભળાય: अगला स्टेशन राजीव चौक है. आपकी बाईऔर दरवाजा खुलेगा. બન્ને બાજુ દરવાજા હોય છે. જે બાજુ પ્લેટફોર્મ હોય, તે બાજુનો જ દરવાજો ખુલે. Incredible Metro…

દિલ્હીમાં લાલ કિલ્લો, ચાંદની ચૉક, લોટસ ટેમ્પલ, દિલ્હી ગેટ, ઇન્ડિયા ગેટ, બહારથી રાષ્ટ્રપતિ ભવન, સંસદ વિગેરે ઘણા બધાં સ્થળોની મુલાકાત લીધી. કેરોસીન મુક્ત દિલ્હી શહેર… ઠેર ઠેર પોલીટીકલ માણસોના પોસ્ટરો… એક તરફ ગગન ચુંબી ઇમારતો તો એક તરફ રેલ્વે સ્ટેશન નજીક ઝુંપડ પટ્ટીઓ. ક્યાંક સામાન્ય માણસતો શ્વાસ પણ ન લઇ શકે તેવી ગંદકી, તો ક્યાંક શાંતિવન જેવી સુંદર જગ્યાઓ. એક તરફ ટાટા ક્રોમા જેવા મોટા મોટા ઇલેક્ટ્રોનિક્સના શોરૂમો છે, તો પાઇરસીની એસ્સીતેસ્સી કરી નાખે તેવી ચાંદની ચોકની બજારો છે. દિલ્હી ખરેખરે અદ્દભુદત શહેર છે !

Advertisements

કલરવ: બ્રેઇલ લીપી આધારીત ગુજરાતી બાળ સામાયિક

“દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ !
પણ કલરવની દુનિયા અમારી !”

ભાનુપ્રસાદ પંડ્યાની આ પંક્તિ અંધજનો માટે પ્રાર્થનારૂપ બની ચુકી છે. કેટલાય અંધજન મંડળોમાં આ કાવ્યને પ્રાર્થના તરીકે હરરોજ ગાવામાં આવે છે. એક આવી જ સફળ પહેલ, સને ૨૦૦૯માં, રૂપાયતન બાલભવન દ્વારા કરવામાં આવી. અને એ પહેલ એટલે અંધજનો વાંચી શકે તેવી બ્રેઇલ લીપી આધારીત ગુજરાતનું પહેલું બાળ સામાયિક: કલરવ.

કલરવની ટુંકી માહિતી:

પ્રકાર: ત્રીમાસિક બાળ સામયિક

પ્રથમ અંક: જાન્યૂઆરી – ૨૦૦૯

તાજેતરનો અંક: માર્ચ – ૨૦૧૨

સંપાદક: રીનાબેન જસાણી

સહ સંપાદક: હર્ષાબેન વાઘેલા

પ્રકાશક: રૂપાયતન બાલભવન

મુદ્રક: એ.આઇ.સી.બી., બ્રેઇલ ભવન, સેક્ટર – ૫, રોહીણી, દિલ્હી – ૧૧૦ ૦૮૫

પ્રાપ્તિ સ્થાન: રૂપાયતન, ભવનાથ, જૂનાગઢ – ૩૬૨ ૦૦૪

રૂપાયતન બાલ ભવને જાન્યુઆરી, ૨૦૦૯માં ગુજરાતની પ્રથમ બ્રેઇલ બાળ સામાયિક શરૂઆત કરી. કલરવના સંપાદક શ્રી રીનાબેન જસાણી અને સહ સંપાદક શ્રી હર્ષાબેન વાઘેલાના નિ:સ્વાર્થ પ્રયાસોથી આજ સુધી કલરવનો ૧૩મો અંક બહાર પડી ચુક્યો છે. કલરવના સંપાદકશ્રી રીનાબેન જસાણી પોતે અંધ છે. તેમની મદદથી રૂપાયતનના હર્ષાબેન વાઘેલા તથા રૂપાયતન બાલ ભવનને આ ભગીરથ કાર્યની શરૂઆત કરી હતી. દર ત્રણ માસે આ સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે. હર્ષાબેન પોતે રૂપાયતનમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેઓ કલરવ માટે વિવિધ બાળ કાવ્યો, વાર્તાઓ તથા અન્ય બાળ સાહિત્ય સંગઠીત કરી, અને તેને સામાયિક બનાવવા દિલ્હી મોકલે છે. દિલ્હી સ્થિત, બ્રેઇલ બભનમાં તેનું મુદ્રણ થાય છે. ત્યારબાદ તેને રૂપાયતન બાલ ભવનને ફરીથી મોકલી દેવામાં આવે છે. આ સામાયિક રૂપાયતન બાલ ભવન દ્વારા અંધ બાળકો (અંધજન મંડળો)ને મુફ્તમાં આપવામાં આવે છે. અત્યાર સુધીમાં રૂપાયતન બાલ ભવને કલરવના ૧૩ અંકો આપ્યા છે. અહીં નેશનલ બાલ ભવન – દિલ્હી, બ્રઇલ ભવન – દિલ્હી, રીનાબેન જસાણી તથા હર્ષાબેન વાઘેલાનો આભાર માનવો રહ્યો.

આ વખતે, કલરવ – માર્ચ, ૨૦૧૨ની ૧૦૦ જેટલી નકલો પ્રકાશિત કરવામાં આવી હતી. જો આપ કોઇ અંધ બાળકો માટે આ કલરવ સામાયિક મગવવા ઇચ્છતા હોં, તો રૂપાયતનનો નીચેના સરનામે સંપર્ક કરવો.

રૂપાયનન,

ભવનાથ,

જૂનાગઢ – ૩૬૨ ૦૦૪

ફોન નં.: ૦૨૮૫ ૨૬૨૭૫૭૩

ઇ-મેઇલ: mail@rupayatan.com

SPIC MACAY તથા રૂપાયતન બાલભવન દ્વારા આયોજીત નૃત્ય કાર્યક્રમ

ગઇ કાલે અહિં રૂપાયતનમાં સ્પીકમેકૈ (SPIC MACAY) તથા રૂપાયતન બાલભવન દ્વારા એક નૃત્યનો કાર્યક્રમ યોજાઇ ગયો. પશ્ચીમ બંગાળમાંથી આવેલા આ કલાકારોએ પોતાની અનોખી કળા – નૃત્ય દ્વારા સૌને મંત્રમૃગ્ધ કરી દીધા હતા. તેઓએ મહિશાસુર વધનું નૃત્ય કર્યું હતું. આ કલાકારોએ જે ટ્રેડિશ્નલ ડ્રેસ પહેરીને નૃત્ય કર્યું છે, તે હજુ માસનપટ પર છવાઇ રહ્યું છે. સિંહનું પાત્ર ભજવનાર બે કલાકારોના વખાણ માટે મારી પાસે શબ્દો જ નથી…

એક ઝલક:

This slideshow requires JavaScript.

રૂપાયતન બાલભાવન – બાલશ્રી સન્માન યોજના

વ્હાલા બાળકો…
રૂપાયતન બાલભવનને રાષ્ટ્રીય બાલભવન નવી દિલ્હી સાથે સંલગ્નતા પ્રાપ્ત થયેલ છે.

આ સંલગ્નતા પ્રાપ્ત થતા આપણા વિસ્તારના પ થી ૧૬ વર્ષની વય જૂથ ધરાવતા બાળકો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની વિવિધ પ્રવૃતીઓમાં સક્રીય ભૂમિકા ભજવવાની સોનેરી તક મેળવી શકે તેમ છે તેમજ વિવિધ કલાના તજજ્ઞો દ્વારા તાલીમ મેળવી પોતાની સર્જનાત્મક શક્તિને વિકસીત કરી શકે તેમ છે.

વ્હાલા બાળકોને રૂપાયતન બાલભવનના સભ્યપદ માટે નિમંત્રણ છે.

 રૂપાયતન બાલભવનના સભ્યપદ માટે સંપર્કઃ

 રૂપાયતન બાલભવન
 ગિરી તળેટી, ભવનાથ, જૂનાગઢ
 ફોનઃ ૦૨૮૫ ૨૬૨૭૫૭૩

રાષ્ટ્રીય બાલભવન – નવી દિલ્હી આયોજીત બાલશ્રી સન્માન અંગેના કલાનાં જુદાં જુદાં ચાર ક્ષેત્રો નીચે મુજબ છે:

  1. સર્જનાત્મક પ્રદર્શન કલા
  2. ક્રિએટીવ આર્ટ – સર્જનાત્મક કલા
  3. ક્રિએટીવ સાઇન્ટીફીક ઇનોવેશન – સર્જનાત્મક વૈજ્ઞાનિક સંશોધન
  4. ક્રિએટીવ રાઇટીંગ – સર્જનાત્મક લેખન કલા

બાલશ્રી સન્માન યોજના:

બાલશ્રી સન્માન યોજનાના નિયમો:

  • બાલશ્રી સન્માન – લોકલ લેવલ સિલેક્શનમાં ભાગ લેનાર બાળકની ઉંમર ૧લી એપ્રીલ, ૨૦૧૧ ના રોજ ૯ વર્ષથી વધુ અને ૧૬ વર્ષથી ઓછી હોછી જોઇએ.
  • લોકલ લેવલ જ્યુરીની પસંદગી રૂપાયતન બાલભવન કરશે. જ્યુરી જે નિર્ણય આપે તે દરેક કક્ષાએ છેવટનો ગણાશે અને આ બાબતે કોઇપણ વિવાદ સ્વીકારવામાં આવશે નહિં.
  • બાલશ્રી સન્માન યોજના અંતર્ગત ભાગ લેનાર બાળકે પસંદગી પ્રક્રિયા માટે તા. ૧૬-૦૭-૨૦૧૧ને શનિવારનાં રોજ બપોરનાં ૩-૩૦ કલાકે તેમજ તા. ૧૭-૦૭-૨૦૧૧ને રવિવારના રોજ સવારે ૯-૩૦ કલાકે સ્વખર્ચે રૂપાયતન   બાલભવન, ગિરીતળેટી, જૂનાગઢ ખાતે ઉપસ્થિત થવાનું રહેશે.
  • આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવો એટલે બાલશ્રી એવોર્ડ માટે પસંદ થઇ ગયા છીએ એમ સમજવાનું નથી. બાળકમાં કેટલી સર્જનાત્મક્તા છે તેનાં પર તેની પસંદગી થવાનો આધાર છે.

વિશેષ માહિતી માટે રૂપાયતન સંસ્થાનો ફોનઃ ૦૨૮૫ ૨૬૨૭૫૭૩ અથવા રૂબરુ સંપર્ક કરવો.

વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૧૧ | નભ દર્શન | વૃક્ષા રોપણ

આજે પ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. પહેલો વિશ્વ પર્યાવરણ દિન ૧૯૭૨ માં ઉજવવામાં આવ્યો હતો. દર વર્ષે અલગ – અલગ થીમ (વષય) સાથે આ દિવસ ઉજવવામાં આવે છે.

અમે પણ કાંઇક અલગ રીતે વિશ્વ પર્યાવરણ દિન ઉજવ્યો. ગઇ કાલે (૦૪-૦૬-૨૦૧૧) અહીં રૂપયાતનમાં ભારતના વિખ્યાત ખગોળશાસ્ત્રી ડો. જે જે રાવલ સાહેબ આવ્યા હતા. તેઓએ બ્રહ્માંડને લગતાં ઘણા રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો હતો. તેઓએ આપણા આ આશ્ચર્યજનક બ્રહ્માંડ ઉપર એક પ્રેઝેન્ટેશન આપ્યુ હતું. આ પ્રઝેન્ટેશનમાં બ્રહ્માંડની રચના, વિસ્તરણ, તારાઓની રચના, તેનું વિસર્જન વગેરે ઘણી બધી રસપ્રદ માહિતી આપી હતી. આ પ્રઝેન્ટેશનનો લાભ જૂનાગઢવાસીઓ (જૂનાગઢના ખગોળરસીકો)એ લીધો હતો.

આ ઉપરાંત અહીં એક બીજો પણ રસપ્રદ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. તે હતો નભ દર્શનનો. ડો. જે જે રાવલની મદદ દ્વારા અહીં રૂપાયતન ખાતે નભદર્શનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેનાં દ્વારા શનિ ગ્રહને નરી આંખે જોયો હતો. આ અનુભવ કઇંક અલગ જ રહ્યો. કારણ કે આપણે શનિ ગ્રહ કે પછી તેને જોવા માટેનાં મોટા મોટા દુરબીનો માત્ર ફોટાઓમાં જ જોયા હોય છે. પણ એને બદલે ગઇ કાલે અમે એ જ શનિ ગ્રહને નરી આંખે દુરબીન દ્વારા જોયો હતો. અને આકાશમાં તારાઓ શોધવાની કે ગણતરી માટે ઉપયોગમાં આવતી લેઝર પણ જોયી. શું એની પ્રકાશ શક્તિ હતી ! સીધી લીલા રંગની લેઝરની લીટી આકાશમાં જોવા મળતી હતી.

આજે સવારે પર્યાવરણ દિન નીમીત્તે ડો. જે જે રાવલે દ્વારા અહીં રૂપાયતનમાં વૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યું હતું.

વધુ માહિતી માટે http://www.unep.org/wed/ વેબસાઇટ જુઓ.

આવી રહ્યો છે એક નવો બ્લોગઃ રૂપાયતન બાલ ભવન

હા, અમારો એક નવો બ્લોગ http://rupayatanbalbhavan.wordpress.com શરૂ થવા જઇ રહ્યો છે જેનું કેન્દ્ર બિદુ રહેશે બાલ ભવન. રૂપાયતન છેલ્લા કેટલાક વર્ષોથી બાલભવન પણ ચલાવી રહ્યુ છે. આ બાલ ભવન નેશનલ બાલભવન દિલ્લી સાથે સંકળાયેલ છે. હમણાં થોડા સમય પહેલા રૂપાયતન બાલ ભવનને નેશનલ વેલ્યુઝ એવોર્ડ મળ્યો હતો. આ બ્લોગમાં રૂપાયતન બાલ ભવન દ્વારા થતી વિવિધ પ્રવૃતીઓ વિષે લખવામા આવશે. તથા વિશેષતો આ બ્લોગ તરફ બાળકો પણ આકર્ષાય તેવો પ્રયત્ન રહેશે….

વન્ય પ્રાણીઓ – પક્ષીઓ વિષેની વાઇલ્ડ લાઇફ ફિલ્મો

ગઇ કાલે રૂપાયતનમાં બાળકોને વન્ય પ્રાણીઓ – પક્ષીઓ વિષેની વાઇલ્ડ લાઇફ ફિલ્મ બતાડી હતી. આ ફિલ્મો અહીના રાઉન્ડ ફોરેસ્ટ ઓફીસર કિશોરભાઇ લઇને આવ્યા હતા. આ બધી ફિલ્મો ગીર ફાઉન્ડેશન દ્વારા પબ્લીષ કરવામાં આવે છે.

અમે બે ફિલ્મો જોઇ. એક સિંહની – Walking With Lions અને બીજી એક ગીધની. એક ગીરના સિંહની ડોક્યુમેંટરી ફિલ્મ પણ હતી, પણ એ સહેજ તુટેલી હોવાથી જોઇ ન શક્યા. પણ બીજી ફિલ્મો બહુજ પસંદ આવી.

ગીધની ફિલ્મતો ગુજરાતીમા જ હતી. ગીધની વસ્તી ઘણી એવી ઘટી ગઇ છે. ગીધના રક્ષણ માટે ભારત સરકારે ૨૦૦૫ માં કાયદો ઘડ્યો. ગીધની વસ્તી ઘટવાનુ મુખ્ય કારણ છે ડેક્લોફીનાઇલ (ઉચ્ચારમાં ભુલચુક લેવી દેવી) નામની પાલતુ પશુઓને અપાતી દવા. આ દવા પશુઓના શરીરમાં પ્રવેશે છે અને આ પશુને જો ગીધ ખાય તો તેનુ મૃત્યુ થઇ જાય છે. આના લીધે પાછળના દાયકામાં ધણા પ્રમાણમાં ગીધની વસ્તી ઘટી ગઇ. પરંતુ કાયદાઓના અમલીકરણને કારણે પરીસ્થિતીમાં સુધારો આવ્યો છે. આ માટે ગુજરાત વન વિભાગ પ્રસાર કરી રહ્યુ છે. આવી ફિલ્મો વિદ્યાર્થીઓને બતાવવામાં આવે છે. તથા ગીધને શા માટે બચાવવુ જોઇએ એના માટે પ્રયત્નો થઇ રહ્યા છે. આજે ગીરનારમાં પણ ગીધ (ગીરનારી ગીધ)ની સારી એવી સંખ્યા છે. એક અંદાજા મુજબ ગીરનાર અભ્યારણમાં ૨૦ જેટલા સિંહો વસે છે.