Archive for the ‘કોમ્પ્યુટર’ Category

ગુજરાતી વિકિસ્રોત – gu.wikisource.org

Image

ગુગલમાં કોઇ શબ્દ માટે સર્ચ બટન દબાવો એટલે મોટે ભાગે પહેલી લીંક Wikipediaની જ હોય છે. અને આપણે મોટે ભાગે તેનો જ  સંદર્ભ તરીકે ઉપયોગ કરીએ છીએે. કારણ માત્ર એટલુ જ કે એ ન તો કોઇ એક વ્યક્તિથી લખાયેલું છે, કે તેમાં માત્ર કોઇ એક વ્યક્તિના અભિપ્રયા જ હોય. આથી જ આપણે પહેલા સંદર્ભ તરીકે વિકિપીડિયાની પસંદગી કરીએ છીએ. અંગ્રેજી વિકિપીડિયા ઇન્ટરનેટ પર માહિતી મેળવવા માટેનું મોટામાં મોટું સંદર્ભ ગ્રંથ બની ગયું છે.

ગુજરાતી વિકિપીડિયાની શરૂઆત જૂલાઇ, ૨૦૦૪માં થઇ. ધીરે ધીરે આજે ગુજરતી વિકિપીડિયામાં આપણી પાસે ૨૨૦૩૬ જેટલા લેખો છે. ગુજરાતી વિકિપીડિયા બહુ જ સરસ રીતે ફુલીફાલી રહ્યુ છે. આજ રીતે હવે ગુજરાતી વિકિસ્રોત (વિકિસોર્સ) પણ ઉપબ્ધ થયું છે. પરમ દિવસે તા. ૨૭ માર્ચ, ૨૦૧૨ના રોજ ગુજરાતી વિકિસ્રોતનું ડોમેઇન – http://gu.wikisource.org અસ્તિત્વમાં આવ્યું. આના માટે તા. ૫ માર્ચ, ૨૦૦૯ના રોજ વિકિમીડિયા સમક્ષ નવા ડોમેઇનની અરજી મુકવામાં આવી હતી. આ અગાઉ વિકિસ્રોતની મેઇન વેબસાઇટ પર ગુજરાતી શ્રેણીની અંદર ગુજરાતી વિકિસ્રોતનું અસ્તિત્વ હતું. થોડા સમય પહેલાં ગુજરાતી વિકિસ્રોતની અરજી વિકિમીડિયાની લેંગ્વેજ કમીટી દ્વારા સ્વીકારવમાં આવી. અને ત્યારબાદ ગુજરાતી વિકિસ્રોત માટેનો લોગો ક્યો રાખવો તેની ચર્ચા ગુજરાતી વિકિપીડિયાના ચોતરા પર કરવમાં આવી. જેમાં મેં પણ ભાગ લીધેલો. તેમાં મતદાન થયું. અને ગુજરાતી વિકિસ્રોત માટેનો લોગો પંસંદ કરવામાં આવ્યો. ત્યાર બાદ પરમ દિવસે વિકિમીડિયા દ્વારા ગુજરાતી વિકિસ્રોતનું ડોમેઇન – http://gu.wikisource.org બનાવામાં આવ્યુ.

વિકિસ્રોત શી રીતે ઉપયોગી થશે ?
ગુજરાતી વિકિસ્રોત ગુજરાતી સાહિત્ય માટેનું શ્રેષ્ઠ ગ્રંથાયલ સમાન બની રહેશે. અહીં કોઇ પણ વ્યક્તિ પોતાનું યોગદાન આપી શકશે. ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ રચનાઓ અહીં સમાવી શકાય. જે લેખક/કવિ/સર્જકની કૃતિઓ કોપીરાઇટ હેઠળથી મુક્ત થઇ ગઇ હોય, તેને આપણે ગુજરાતી વિકિસ્રોત પર મુકી શકીએે. ભારત સરકારના કોપીરાઇટ એક્ટ મુજબ સર્જકના મૃત્યુના ૬૦ વર્ષ બાદ, તેનું સર્જન કોપીરાઇટથી મુક્ત થાય છે. આથી આદ્ય કવિ નરસિંહ મહેતા, ગાંધીજી, ઝવેરચંદ મેઘાણી, કવિ કલાપી વગેરે જેવા સર્જકોનું સાહિત્ય સર્જન વિકિસ્રોત પર મુકી શકાય તેમ છે. હાલ વિકિસ્રોત પર બે થી ત્રણ પુસ્તકો જ મુકી શકાયા છે. શરૂઆત ગાંધીજીના એક નાના પુસ્તક – “રચનાત્મક કાર્યક્રમ” થી કરવમાં આવી. જેમાં અમે (શુશાંતભાઇ, હું, ઘવલભાઇ, અશોકભાઇ, વ્યોમભાઇ, તથા જયશ્રીબેન) બધાએ એક એક પ્રકરણ ટાઇપ કરી, તેને ગુજરાતી વિકિસ્રોત પર મુક્યુ. આ રીતે અત્યાર સુધીમાં વિકિસ્રોત પર બે થી ત્રણ પુસ્તકો (પુરેપુરા) મોજુદ છે.

વિકિસ્રોતમાં આપનું યોગદાન:
ગુજરાતી વિકિસ્રોતમાં કોઇ પણ વ્યક્તિ પોતાનું યોગદાન આપી શકે છે. ગુજરાતી વિકિસ્રોત પર ઉપર જણાવ્યા મુજબ જે સર્જકની કૃતિ કોપીરાઇટથી મુક્ત થઇ ગઇ હોય, તેને જ મુકવા વિનંતી. જેથી કરીને ભવિષ્યમાં કોઇ પણ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત ન થાય. વિકિસ્રોત પર વિકિપીડિયાની જેમ નારાયમ લેખન પદ્ધતિ ઉપલબ્ધ છે. જેના વડે આપ સરળતાથી ગુજરાતી ટાઇપ કરી શકો છો. માત્ર CTR + M પ્રેસ કરવાથી, નારાયમ લેખન પદ્ધતિ સક્રિય થઇ જશે. ત્યારબાદ તમે જે રીતે અંગ્રેજીમાં ટાઇપ કરો છો, એ જ રીતે ગુજરાતીમાં ટાઇપ કરી શકશો. (ગુજરાતી લિપ્યાંતરણ). આ ઉપરાંત અહીં ઇનસ્ક્રિપ્ટ કિ-બોર્ડ લેઆઉટ પણ ઉપલબ્ધ છે.

ઇન્ટરનેટ પર સર્ચ કરતાં એવું પણ જાણવા મળેલું કે મરાઠી વિકિસોર્સમાં સંદર્ભ સાહિત્ય મુકાવમાં મહારાષ્ટ સરકાર મદદ કરશે. એજ રીતે આપણી સરકાર, સંસ્થાઓ જેમ કે ગુજરાતી સાહિત્ય પરીષદ જે પહેલે થી ગુજરાતી વિકિપીડિય પર સક્રિય  છે, તે પણ વિકિસ્રોતમાં પોતાનું યોગદાન આપી શકે. ગુજરાતી સાહિત્યને લગતી આપણે ત્યાં ઘણી બધી વેબસાઇટો છે. જો આ વેબસાઇટો પર કોપીરાઇટ મુક્ત સાહિત્ય હોય, તો તેની મંજુરી લઇ,  વિકિસ્રોત પર મુકી શકાય, જેથી ભવિષ્યમાં બધુ એક જગ્યાએથી ઉપલબ્ધ બની શકે…

Gujarati Wikipedia – ગુજરાતી વિકિપીડિયા

Wikipedia નો પરીચય આપવો પડે તેમ નથી. Internet પર માહિતી આપતુ મોટામાં મોટુ સ્રોત એટલે વિકિપીડિયા.  વિકિપીડિયાની  શરૂઆત 2001 મા જીમ્મી વેલ્સ (Jimmy Wales) અને લેરી સેન્ગર (Larry Sanger) દ્વારા કરવામા આવી. લેરીએ તેનુ નામ Wikipedia રાખવાનુ નક્કી કર્યું. આજે 2011 મા વિકિપીડિયા 282 ભાષાઓમાં ઉપલબ્ધ છે. અત્યારે વિકિપીડીયા 20 મીલીયન જેટલા લેખો ધરાવે છે.

હવે વાત કરીએ આપણા ગુજરાતી વિકિપીડિયાની. http://gu.wikipedia.org – ગુજરાતી વિકિપીડિયાની શરૂઆત 2004 મા કરવામા આવી. આજે ગુજરાતી વિકિપીડિયામા 21557 લેખો લખાયેલા છે. 9715 જેટલા ગુજરાતી વિકિપીડિયાના યુઝર્સ – સભ્યો છે, જેમાથી 60 જેટલા સક્રીય સભ્યો છે, કે જેઓ ગુજરાતી વિકિપીડિયામા પોતાનું યોગદાન આપે છે. (એ વાતનો આનંદ છે કે એ 60માં હું પણ છું.)

વિકિપીડિયાને હજુ ઘણા લેખોની જરૂર છે, પરતું આપણી નબળાઇને કારણે ગુજરાતી વિકિપીડિયામાં માત્ર 21557 લેખો જ છે, જ્યારે हिन्दी विकिपीडिया મા 100469 અને मराठी विकिपीडिया મા 34602 લેખો લખાયેલ છે. ગુજરાતી વિકિપીડિયાનો ઉપયોગ તો ઘણા કરે છે, પરંતુ નવા લેખો બહુ જ થોડા લખાય છે. બહુ જ થોડા-ઘણા ફેરફારો થાય છે. શા માટે લોકો ગુજરાતી વિકિપીડિયમા પોતાનુ યોગદાન નથી આપતા ?

ચાલો ગુજરાતી વિકિપીડિયાને સમૃદ્ધ બનાવીયે. હવે તો Google Translate પણ ઉપલબ્ધ છે, જેનાથી માત્ર English Wikipedia નો લેખનું ભાષાંતર પણ કરી શકાય છે. જોકે સંપુર્ણ શુદ્ધ ભાષાંતર તો ન થઇ શકે, પરંતુ આપણે તેને ફેરફાર તો કરી શકીએ ! તો પછી શું વિચાર કર્યો, આજથી ગુજરાતી વિકિપીડિયામા તમારૂ યોગદાન આપશો કે ???

ગુગલ મેપઃ જમ્મુ-કાશ્મીર અને અરૂણાચલ – નક્શાનો પ્રશ્ન

ભારતના કાશ્મીર અને અરૂણાચલ પ્રદેશ વારંવાર સમાચારોની હેડલાઇન બને છે ! જમ્મુ-કાશ્મીર તથા અરૂણાચલ પ્રદેશ વર્ષોથી ભારતના અભીન્નઅંગ રહ્યા છે, ત્યારે ક્યારેક પાકિસ્તાન તો ક્યારેક (ડ્રેગન) ચીન ભારતનાં આ પ્રદેશોને પોતાના દર્શાવવાનો પ્રયત્ન કરે છે. અને ભારત સરકારા આ માટે માત્ર માફીની રાહ જુએ છે, જેવી આ લોકો જુઠ્ઠી માફી માગે એટલે એ પ્રશ્નનો નિકાલ આવી ગયો તેમ સમજી લે છે !

આવા વિવાદો છેડવાનું કાર્ય સર્ચ એન્જીન – ગુગલ કરી રહ્યુ છે. ઘણી વખત તે પોતાના મેપ (Google Maps: http://maps.google.com) માં અરૂણાચલ પ્રદેશને ચીનો હિસ્સો બતાવે છે. આમ છતાં તેનાં પર કોઇ પણ જાતની કાર્યવાહી કરતી નથી ! હમણાં જ થોડા દિવસો પહેલાં મેં ગુગલ મેપમાં ભારતનો નક્શો જોયો ત્યારે જોયું કે નક્શામાં ઇન્ટરનેશ્નલ બોર્ડર ઘાટી છે જ્યારે ઇન્ટર્નલ બોર્ડર આછી રાખવામાં આવી છે. પણ એ જોતાં આશ્ચર્ય થયું કે આખા ભારતની ફરતે તો ઘાટી (ઇન્ટરનેશ્નલ) બોર્ડર છે, પરંતુ કાશ્મીર અને અરૂણાચલ પ્રદેશમાં પાતળી બોર્ડર રાખવામાં આવી છે ! શું કાશ્મીર અને અરૂણાચલ ભારતનાં નથી ???