અવિસ્મરણીય તાલીમ @ શશીકુંજ, જૂનાગઢ


ઓહ! આ 75 દિવસ (અઢી મહિના)નો સમય ક્યારે પસાર થઇ ગયો, ખ્યાલ જ ન આવ્યો. મને તો હજુ એમ જ લાગે છે, કે હું હમણા જ મારા ઘરે આવ્યો છું, અને પરમ દિવસથી જ શશીકુંજમાં તાલીમ લેવા જઇ રહ્યો છું. થોડીકવાર તો એમ જ લાગે કે ભાણવડ જવું જ નથી… બસ, અહીં જ રોકાઇ જાઉ… મારૂ તો જૂનાગઢ ઘર છે, પરંતુ બીજા મારા સહ-કર્મચારી-તાલીમાર્થી મિત્રો કે જેનું ઘર/વતન જૂનાગઢ નથી, તેને પણ અહીં ફાવી ગયુ હતું. માનો કે તે લોકોએ પણ શશીકુંજ ને પોતાનું ઘર માની લીધુ… જોત જોતામાં ક્યારે 75 દિવસનો સમય પુરો થઇ ગયો અને તાલીમ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર અત્યારે હાથમાં છે, ત્યારે થોડું અઘરુ લાગે છે…

This slideshow requires JavaScript.

આ તલીમ માત્ર વહીવટી તલીમ જ ન રહી, બલ્કે જીવનના ઘણા બધા પાસાઓ શીખવી ગઇ. કારણ કે હું તો ક્યારેય હોસ્ટેલમાં રહેલો જ નહીં. એક હોસ્ટેલ લાઇફનો પણ અનુભવ થયેલો. જોકે હું તો તાલીમ પુરી કરી, સાંજે ઘરે આવી જતો, આમ છતાં, આખો દિવસ એક હોસ્ટેલ તથા સ્કુલ/કોલેજમાં હોય તેવું વાતાવરણ લાગતું. તાલીમનો પહેલો દિવસ – 18/03/2013… માત્ર ત્રણ જ જણ નજરે પડે અને એ પણ જામનગર જીલ્લાના. તેમાં અમારા તાલીમાર્થીઓમાં મોસ્ટ સિન્સીયર તથા સિનિયર ગણાતા ખંભાળીયાના ગોવિંદભાઇ ચાવડા તથા કલેક્ટરના ઉપનામથી પ્રખ્યાત થયેલ જોડીયાના દેવાંગભાઇ ત્રિવેદી. હું ત્યાં ગયો. મેં હોસ્ટેલ જોઇ. હોસ્ટેલની વ્યવસ્થા બીજા તાલીમ કેન્દ્રો કરતા સારી હતી, એટલે મેં તુરત ગોવિંદભાઇને કહ્યું: હોસ્ટેલ સારી છે. તેણે માથું હલાવતા, તે વાતનો સ્વિકાર કર્યો અને આપણા માટે તો બધુ સારુ જ છે, એવું કહ્યું. ગોવિંદભાઇ પહેલેથી પોઝીટીવ વિચારધારા વાળા તો ખરા જ. અમે બધા હજુ ક્યારેક મજાકમાં મેનેજમેન્ટનો દોષ કાઢતા, પણ ગોવિંદભાઇ હંમેશા આવું તો હોય જ એમ કહેતા રહેતા. તાલીમના પહેલા દિવસે તો માત્ર બધાએ હાજર રીપોર્ટ આપ્યા અને છુટા પડ્યા. હું અહીં યજમાન કહેવાઉ એટલે, ગોવિંદભાઇ તથા દેવાંગાભાઇ અને બીજા એક બે જણને BAPSની અક્ષરવાડીમાં લઇ ગયો. ત્યાં થોડીવાર બેસ્યા, અને પછી બહાર નીકળી ગોલા તથા બદામ શેકનો આનંદ લીધો. બીજા દિવસે તાલીમની શરૂઆત થઇ. ક્લાસમાં ગયા. ક્લાસ જોયો તો A/C. એટલે બધાને હળવાશ થઇ, કે ચાલો આપણો ઉનાળો સુધરી ગયો… તાલીમ કેન્દ્રના વહીવટી સ્ટાફે અમોને આવકાર્યા તથા બધાનો પરીચય કરાવ્યો. નિયામકશ્રી વાઢેર સાહેબ, આચાર્યશ્રી મારૂ સાહેબ, નાયબ મામલતદાર વાઢેર સાહેબ, તથા ક્લાર્ક ગીરીભાઇ, જાગૃતિબેહન તથા અક્ષયભાઇ. મોટે ભાગે બધુ મેનેજમેન્ટ ગીરીભાઇ જ કરે. પહેલા જ દિવસે અમારા કેટલાક તાલીમાર્થીઓએ મેનેજમેન્ટ સમક્ષ હોસ્ટેલમાં મચ્છર વધુ છે.. વિગેરે જેવા પ્રશ્નો મુક્યા, જેમાંથી અમારો આ મહેસૂલી તલાટીઓનો તાલીમ વર્ગ પ્રખ્યાત બન્યો. જોકે આજે છુટા પડતી વખતે વાઢેર સાહેબ (ના.મા.)એ સ્વીકાર્યું કે તમે બધાએ ભેગા થઇને શશીકુંજમાંથી મચ્છરોને જાકારો આપી દીધો છે. કારણ કે અત્યારે શશીકુંજમાં એક પણ મચ્છર નથી રહ્યું…

તાલીમ દરમિયાન ઘણા બધા લેક્ચરરો આવતા, પણ બધા વ્યાખ્યાતામાં કંઇક ને કઇક વિશેષ જ્ઞાન હતું. બધાને માફક આવ્યા હોય તેવા વ્યાખ્યાતાઓ ખાચર સાહેબ, ત્રિવેદી સાહેબ અને ભલુ સાહેબ. ત્રિવેદી સાહેબ તો જામનગરમાં પહેલા ચિટ્નિશ ટુ કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા, એટલે તેમને તો બધા જામનગરવાળા ઓળખતા જ હતા. ત્રિવેદી સાહેબને પણ જાણી આનંદ થયો કે અમે જામનગર વાળા તેની પાસે તાલીમ લેવા આવ્યા, અને આમ પણ તેઓએ સ્વીકાર્યું કે મને રેવન્યૂ વાળા પ્રત્યે વિશેષ પ્રેમ છે. અમે બધા તો મહેસૂલી તાલટી તરીકે હાજર જ ત્રિવેદી સાહેબ પાસે થયા હતા. ત્રિવેદી સાહેબ અમારો મહેસૂલી કાયદો લેતા. તેઓનું મહેસૂલી કાયદો એટલો પરફેક્ટ કે તેમને મોટાભાગની બધી કલમો મોઢે. મને તો આશ્ચર્ય થતું કે આટલો મોટો કાયદો, આટલા નિયમો ત્રિવેદી સાહેબને કેમ કરીને યાદ રહે છે. ઠીક છે આપણને યાદ હોય, પણ આપણે પરફેક્ટ એમ મોઢે ન કહી શકીયે, કદાચ ભુલ પણ પડે, પરંતુ ત્રિવેદી સાહેબતો કહે કે કલમ-65 એટલે કલમ-65 જ હોય, તેની કલમ-65ની 65 (2) પણ ન થાય. એવી જ રીતે વી.જી. ભલુ, કે જેઓ નિવૃત TDO હતા. તેણે પણ છેલ્લે દ્વારકા TDO તરીકે ફરજ બજાવેલ. ભલુ સાહેબે TDO તરીકે પંચાયત વિભાગમાં ફરજ બજાવી પણ તેમનું રેવન્યૂ બહુ જ સારૂ. તમણે જે 1 થી 18 ગામ નમૂનાની અમને સમજ આપી છે, તેટલી કદાચ બીજું કોઇ ન પણ આપી શકત. અને પુરેપુરા પ્રેક્ટીલ માઇન્ડના. વહીવટના નિયમો શું કહે છે, તથા હકીકત શું છે, તેનું સ્પષ્ટ વર્ણન કરે. ક્યારેક તેઓ તેમના ફરજ દરમિયાનના અનુભવો પણ કહેતા. ખાચર સાહેબ અહીંની સુભાષ એકેડમીમાં ઇતિહાસના પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તે જૂનાગઢના ઇતિહાસવિદ છે. આની પહેલા મેં પ્રદ્યુમ્નસિંહ ખાચર એવુ નામ સાંભળેલું, પણ કદી રૂબરૂ મુલાકત નહોતી થયેલી. ઇતિહાસના એ માસ્ટર. અમને ઘણી બધી ઇતિહાસની વાતો કરી. કેટલી જાણીતી તો કેટલી કદી નહીં સાંભળેલી. જૂનાગઢના નાવબની વાતો બહુ જ ગમી. હું જૂનાગઢનો હોવા છતાં, જૂનાગઢના કેટલાક તથ્યો મને પણ ખ્યાલ નહોતા. ખાચર સાહેબે તેમાં પ્રકાશ પાડ્યો. તેમની એક વાત બહુ જ યાદ રહી જાય તેવી છે: “ઇતિહાસ હંમેશા વિજેતાઓના જ હાથે લખાય છે…” જૂનાગઢના નવાબને સંબોધીને કરેલી આ વાત તદ્દન સાચી છે. તેણે એ પણ જણાવ્યું કે ઇતિહાસમાં ખોટી રીતે જૂનાગઢ નવાબને ખરાબ બતાવવામાં આવેલ છે. હકીકતમાં જૂનાગઢ નવાબ પ્રજા વત્સલ હતા. પરંતુ કેટલાક સંજોગો વસાત તેમણે ન ગમતા પગલા ભરવા પડ્યા હતા. જૂનાગઢ નવાબ હિંદુ પ્રેમી પણ હતા, તેના કેટલાક દાખલા આપ્યા. રોજ સવારે ઉઠીને કાળી ગાયના દર્શન કરવા, જૂનાગઢ રાજ્યના ચિહ્નમાં સૂર્ય, ચંદ્રની આકૃતિ, તથા ગિરનાર ઉપર મસ્જીદ ન જ હોય જેવા નિર્ણય જૂનાગઢ નવાબે જ આપેલ. તિર્થાણી સાહેબ મદદનિશ તિજોરી અધિકારી છે. તે GCSR (Gujarat Civil Service Rules) લેતા. તેઓએ કર્મચારીને કેવું વર્તન કરવું, રજા, પગાર વિગેરેને કેટલીક બાબતોનો ઉંડાણ પૂર્વક અભ્યાસ કરાવ્યો. અર્પિતા મેડમ સાયકોલોજીસ્ટ છે. તેણે ટ્રેશ મેનેજમેન્ટ, યોગ, ઇમોશન મેનેજમેન્ટ વિગેરે જેવા વિષયો પર લેક્ચર આપ્યા. પરસાણા સાહેબ કે જેઓ નિવૃત Dy.DDO હતા, તેઓએ પંચાયતનું માળખું સમજાવ્યું. પરસાણા સાહેબ એક સારા એવા સાહિત્ય કલાકાર પણ છે. તેમના કંઠે દુહા, છંદ વિગેરેનો પણ લાભ લીધેલ. ગઢીયા સાહેબ આ તાલીમ કેન્દ્રના ભુતપૂર્વ આચાર્ય રહી ચુકેલ. તેણે વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી. સંઘવી સાહેબ જેણે પંચાયત અધિનિયમ વિશે ભણાવ્યું. આ ઉપરાંત સોલંકી સાહેબ, ઇજનેર (ઇ-ગ્રામ), જેણે ઇ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ વિશે બજુ જ રસપ્રદ માહિતી આપી. આમ પણ ટેક્નોલોજીનો વિષય હોય, એટલે મને તો મજા આવેજ પણ, દરેકને સોલંકી સાહેબના લેક્ચરમાં મજા આવી. ઇ-ગ્રામની શરૂઆત થી લઇને અત્યાર સુધીની માહિતી આપી. અને છેલ્લે આવેલ તમીમ સાહેબે જમીનની માપણીની વિગત આપી તથા કઇ રીતે માપણી થાય, તેનું પ્રક્ટીકલ કરીને પણ બતાવ્યું. શશીકુંજનું એક મેદાન માપ્યું.

આ ઉપરાંત અમે કરેલ પ્રવાસ એ અવિસ્મરણીય રહ્યો. ત્રણ દિવસનો કરેલ પ્રવાસ હજુ પણ ભુલાય તેમ નથી. શરૂઆતમાં તો મારે પ્રવાસમાં નહોતું જાવું, પરંતુ બધાના આગ્રહથી નક્કી થયું, અને જો ન ગયો હોત તો હું એક આનંદદાયક સફર ચુકી જાત… પ્રવાસ દરમિયાન તડકો બધાને બહુ જ લાગેલો. બધાયે કનૈયાનું રૂપ ધારણ કરી લીધુ હતું. જાણે સૂર્ય દેવનું તેજ બધાના મુખ મંડળ પર કાળો રંગ ધારણ  કરીને સમાઇ ગયું હોય, તેવું લાગતું હતું… મહેસાણાના વોટર્સ વર્લ્ડ રીસોર્ટમાં બધાએ ખુબ આનંદ માણ્યો. વિવિધ પ્રકારની રાઇડની સવારી કરી. પ્રવાસ દરમિયાન બધા ખીલી ગયા હતા. કોઇને પણ એમ નહોતું લાગતું કે પોતે સરકારી કર્મચારીઓ છે… GCSR ના નિયમો તો ક્યાંક પડ્યા રહ્યા…

તાલીમ દરમિયાન સૌથી વધુ લખાવવામાં ત્રિવેદી સાહેબ તથા ભલુ સાહેબ. સૌથી વધુ લખાણ તે બે સાહેબોનું હતું. અને આમ પણ બે મુખ્ય વિષય તેઓ જ લેતા. બાકી બીજા બધામાં લખવાનું બહું ઓછું આવતું. તાલીમ દરમિયાન ક્યારેક કોઇક પોતાની પ્રતિભા પણ રજૂ કરતાં. તેમાં સૌથી મોખરે હતા વિજયભાઇ રામાવત ઉર્ફે “રામબાપુ” તથા કવિ “દાસ”. તેઓ મોજમાં આવી ક્યારેક ભજન લલકારતા તો ક્યારેક દુહાની રમઝટ. એક વખત તો એવું બન્યું કે પરસાણા સાહેબે એક દુહો ગાયો, તો વળી તેની સામે બાપુએ પણ એક દુહો રજૂ કર્યો. જાણ કે ગુજરાતી સાહિત્યની મહેફીલ ભરાઇ હોય… ગોવિંદભાઇએ એક વખત રી-સર્વે/માપણીનો લેક્ચર લીધેલ. તેણે જમીનની માપણી નવા ડીજીટલ મશીનથી કઇ રીતે થાય તે જણાવ્યું. ઉપરાંત એક વખત હું ત્યાં મારૂ લેપટોપ લઇ ગયેલ. અને મેં ગોવિંદભાઇને જાણ કરી કે મેં ઇ-ધરા વિશે એક પ્રઝેન્ટેશન બનાવ્યું છે, અને આપણે હોસ્ટેલમાં તે જોઇશું. આ વાત તેણે ભલુ સાહેબના લેક્ચરમાં કહી, અને બીજા ત્રણ ચાર જણાનો  સપોર્ટ મેળવી મને તે પ્રઝેન્ટેશન ક્લાસમાં આપવા ફરજ પાડી. હું હિંમત કરીને ઉભો થયો. મારૂ લેપટોપ LCD સાથે કનેક્ટ કર્યું અને પાવર પોઇન્ટમાં મારા દ્વારા બનાવાયેલી “ઇ-ધરા એક સફળ પહેલ” શરૂ કરી. બીજા કોઇનું ધ્યાન તો ન પડ્યું પણ હર્ષાબા ઉતાવડા થઇ બોલ્યા, નિલશે ડી. બંધીયા. નિલશેભાઇ… પછી શાહ ભાઇ બોલ્યા કે નિલેશને બદલે નિલશે લખાઇ ગયું છે. મારાથી ઉતાવડમાં ટાઇપ  કરતી વખતે નિલેશને બદલે નિલશે લખાઇ ગયેલ. મને થયું કે લો, મેં શરૂઆતમાં જ ભગો કર્યો. પણ પછી મેં શરૂઆત કરી. એક પછી એક સ્લાઇડ બદાલવતો ગયો ને તેની માહિતી આપતો ગયો. મારા એક વાક્ય ઉપર કેટલાક સહમત નહોતા… કે ઇ-ધરા આવવાથી ભ્રષ્ટાચાર ઘટ્યો છે. મેં તે સમજાવવાની કોશીશ કરી હતી. ઉપરાંતી ઇ-ધરાનું ભવિષ્ય કેવું હશે તેની પણ ચર્ચા કરી હતી, અને તેમાં બધાએ બહુ રસ દાખવ્યો હતો. એક અલગ અનુભવ રહ્યો. બધાની સામે પ્રઝેન્ટેશન આપ્યું, બધાને એ પ્રઝેન્ટેશન ગમ્યું પણ ખરૂં.

મારી અગાઉ તાલીમ લઇ આવેલ મારા સહ-કર્મચારીઓ મને વારી ઘડીએ કહેતા, કે બંધીયા તારી તાલીમ આવે એટલે જોજે બહુ જ મજા પડશે. ખરેખર, આ તાલીમ નોકરી તો ઠીક, પરંતુ જિંદગીના એક સુખદ સમય તરીકે ગણાય તેવી રહી. બહુ જ આનંદ આવ્યો, અને બધાએ ખુબ જ મજા કરી. બધાને માત્ર બે જ વાતની ચિંતા છે: એક તો પૂર્વ સેવા તાલીમની પરીક્ષા અને બીજી મહેસૂલી તલાટીના સંવર્ગની. મારે કોર્ટ ક્લાર્ક તરીકે ઓર્ડર આવવાનો છે, પરંતુ આજે જ્યારે હું જૂનાગઢ કોર્ટમાં નિવૃત APP વિક્રમભાઇ ભાદરકાની સાથે ગયો, ત્યારે ત્યાંના એક ક્લાર્કે મને કહ્યું કે તમે જો નોકરી કરો જ છો, તો આમાં ન આવો. કેટલાક કારણો આપ્યા. તો વળી, મારા વિભાગના લોકો એમ કહે કે આમાંથી નિકળી, અને કોર્ટમાં જતા રહો… કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન યાર…!!!

5 responses to this post.

  1. Posted by Kotecha Hiren on જૂન 1, 2013 at 9:43 એ એમ (am)

    અરે, મને પણ થાય કે કદાચ હું પણ આપની સાથે તાલીમમાં હોત તો!

    જવાબ આપો

  2. પ્રવાસ,તાલિમ,હોસ્ટેલ જીવન વિ.જીંદગીના વિવિધ મુકામ ૫ર સાથે વિતાવેલ થોડો સમય ૫ણ સંભારણું બની જતો હોય છે. સાથો સાથ ક્ષણભંગુર માયાનાં બંધનો ૫ણ બંધાતાં હોય છે. બંધિયાજી…..

    જવાબ આપો

  3. નમસ્કાર!
    આપનો બ્લોગ ”સાંસ્કૃતિક સમન્વય ઝંખતું: રૂપાયતન” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
    આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
    આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
    ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
    આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
    માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

    જવાબ આપો

Leave a reply to Nilesh Bandhiya જવાબ રદ કરો